Site icon Revoi.in

રવિ સીઝનના ટાણે જ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન અપાતા થરાદના ત્રણ ગામના ખેડુતોએ કરી રજુઆત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેડુતો સિંચાઈના પાણી  અપાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થરાદના તાલુકામાં ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેર તથા રામપુરા માઇનોર કેનાલનું પાણી ચાલુ કરવા ખેડૂતો બહોળી સંખ્યામાં નર્મદા નિગમની કચેરીએ પહોંચીને  રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં કેનાલને લઇને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝનની શરૂઆત થતાં પાણી ન મળતાં ખેડૂતોએ નર્મદા નિગમની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.

બનાસકાંઠામાં હાલ રવિ સીઝનની વાવણીનું કામ પૂરઝોશમાં ચાલી રહ્યું છે. થરાદના ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેરમાં અને રામપુરા કેનાલનું પાણી ચાલુ કરવામાં આવે એવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. ગડસીસર શાખામાં આઠ-નવ પાવડી પાણી ભરાય તો પાણી ચડે તેમ છે. આથી રવિ સિઝનનું પીયત થાય તે માટે પાણી તાત્કાલિક છોડવામાં આવે તેવી  ખેડુતો માંગ કરી રહ્યા છે.  ખેડુતોના કહેવા મુજબ  નર્મદા નિગમે  ખેડૂતોને 1લી નવેમ્બર સુધીમાં કેનાલમાં પાણી છોડવાનો વાયદો કર્યો હતો. પરંતુ  આજ સુધી પાણી આપ્યું નથી. જેથી ખેડૂતોની રાયડાની સિઝન ફેલ ગઈ છે. ત્યારે હવે પાણી આપવામાં આવે તો જ ખેડૂતોએ વાવેતર કરેલો એરંડા સહિત પાક બચી શકે તેમ છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, થરાદના જમડા નજીકની ઇઢાટાના ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાઇપલાઇન બ્લોક થતાં સાત જેટલા ગામોના ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાવા પામ્યાં છે. આથી જમડા, લેડાઉ, ભાચર, ઇઢાટા, લોરવાડા, પ્રતાપપુરા, ઢીમા સહિત ગામોના ખેડૂતોને નર્મદા અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીનું સંકટ સર્જાયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જો કે, હાલ તો નર્મદા નિગમે કેનાલમાં પાણી છોડવાનું આશ્વાસન આપ્યુ છે.