Site icon Revoi.in

મધ્ય-પૂર્વમાં પરમાણુ યુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયલની ધમકી

Social Share

તેહરાન, 5 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરાયાં બાદ ઈરાન દ્વારા પણ અમેરિકાના વિવિધ ઠેકાણાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને ઈઝરાયેલ તેની વર્તમાન શાસન વ્યવસ્થાને હટાવવાનો પ્રયાસ કરશે, તો તે ઈઝરાયેલના પરમાણુ મથકો પર સીધો હુમલો કરશે. ઈરાનના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીના હવાલેથી આ નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવાયું છે કે સત્તા પરિવર્તનના કોઈપણ પ્રયાસનો જવાબ અત્યંત વ્યૂહાત્મક અને કઠોર રીતે આપવામાં આવશે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના સૈન્ય અભિયાન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સૈન્ય કાર્યવાહીનો ઉદ્દેશ્ય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે કે જેથી ઈરાની જનતા વર્તમાન શાસનને બદલી શકે. તેહરાને આ નિવેદનોને પોતાના આંતરિક મામલામાં સીધો હસ્તક્ષેપ ગણાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલની વ્યૂહરચના માત્ર સૈન્ય મથકો પૂરતી મર્યાદિત નથી. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ અને તેની સાથે જોડાયેલા અર્ધલશ્કરી સંગઠનોના ઠેકાણાઓ તેમજ પોલીસ સ્ટેશનો પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, તેહરાનમાં અનેક પોલીસ મથકો પર થયેલા હુમલાથી આંતરિક સુરક્ષા પર દબાણ વધ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે મધ્યમ સ્તરના કમાન્ડરો અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવીને ઈરાનનું વહીવટી નિયંત્રણ નબળું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ઈઝરાયેલના સૂત્રો સંકેત આપી રહ્યા છે કે જ્યાં સુધી ઈરાનમાં વાસ્તવિક રાજકીય પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહી શકે છે. બીજી તરફ, ઈરાને તેની સંપ્રભુતાને પડકારવા બદલ પરમાણુ હુમલાની જે ધમકી આપી છે તેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો ઈઝરાયેલના પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલો થાય છે, તો આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બંને પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી માર્ગ અપનાવવા વિનંતી કરવામાં આવી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા તણાવ ઓછો થવાને બદલે સતત વધી રહ્યો હોય તેવું દેખાય છે. મધ્ય-પૂર્વ અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું છે, જ્યાં એક નાની ભૂલ પણ વિનાશક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ બ્રિટનના મ્યુઝિયમે ભારતને પરત કરી 500 વર્ષ જૂની મૂર્તિ

Exit mobile version