Site icon Revoi.in

કાચા તેલના વધતા ભાવને કારણે સરકારી ઓઈલ કંપનીઓને વર્ષ 2026માં નફો નહીં મળવાની ભીતિ

Social Share

નવી દિલ્હી, 12 મે 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર અને સરકારી તેલ કંપનીઓ પર દેખાવા લાગી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે ચેતવણી આપી હતી કે જો કાચા તેલના ભાવ આ જ રીતે ઉંચા સ્તરે રહેશે, તો સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓનો નાણાકીય વર્ષ 2026નો સમગ્ર નફો શૂન્ય થઈ જવાની શક્યતા છે.

‘સીઆઈ એન્યુઅલ બિઝનેસ સમિટ 2026’ માં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ઉર્જા સંકટ ઊભું થયું છે. હાલમાં ભારતીય સરકારી ઓઈલ કંપનીઓને દરરોજ અંદાજે 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો આ સ્થિતિ યથાવત રહેશે, તો એક ક્વાર્ટરમાં આ નુકસાન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે.

અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધ આવવાની આશંકાથી વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓનો વર્ષ 2026નો ‘ટેક્સ પછીનો નફો’ સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. ઉદ્યોગના અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓને સંયુક્ત રીતે 1.2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

તેલના વધતા ભાવ અને સપ્લાય અંગેની ચિંતાઓ વચ્ચે હરદીપ સિંહ પુરીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત પાસે ઇંધણની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા છે. ભારત પાસે હાલમાં આશરે 60 દિવસ માટે કાચા તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસનો ભંડાર ઉપલબ્ધ છે. રસોઈ ગેસ (LPG) નો સ્ટોક 45 દિવસ માટે પર્યાપ્ત છે. સપ્લાય ચેઈનમાં વિક્ષેપને પહોંચી વળવા માટે સરકારે એલપીજીનું દૈનિક ઉત્પાદન 35,000 ટનથી વધારીને 54,000 ટન કરી દીધું છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ભીમનગર ચોક નજીક TP રોડ પર 33 ગેરકાયદે દબાણો દૂર કરાયા

Exit mobile version