Site icon Revoi.in

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

Social Share

સાહીન મુલતાની-

ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું ન જ ભુલીએ.

2-4 દિવસની રજામાં  ક્યાય દુર તો ન જ જઈ શકો, પરંતુ ગુજરાતમાં ને ગુજરાતમાં તો ચાક્કસ જઈ જ શકો છો,તો આજે એવી કેટલીક સુંદર જગ્યા વિશે જાણીએ,કદાચ આ વાંચીને તમને અહી ચોક્કસ ફરવા જવાનું મન થશે .

ગુજરાતમાં જ આવેલો ડાંગ જીલ્લો-ગુજરાતનું ચેરાપુંજી

રોજબરોજના ભીડભાળ વાળા વિસ્તારોથી દુર અને કુદરતના સાનિઘ્યમાં આવેલો ડાંગ જીલ્લો,જ્યા ચોમાસાની ઋતુમાં સૌથી વધુ વરસાદ વરસે છે, જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે,જાણે કુદરત તો ડાંગ જીલ્લામાં જ સોળે કળાએ ખીલી ઉઠે છે,  કુદરતી હવા અને સાત્વિક ખોરાકનો સમન્વય અહી જોવા મળે છે,ચારેય બાજુ લીલા-લીલા વૃક્ષોના જંગલો અને ખળખળ વહેતી નદીઓ અને પહાડોમાંથી પડતા ઝરણાઓ અહીની ઓળખ .

મહાલ ઈકો ટુરીઝમ

 

ડાંગના જિલ્લાના આહવા તાલુકાથી એકાદ કલાકના અંતરે આવેલું નાનકડું ગામ એટલે મહાલ,અહી આવેલું ઈકો ટુરીઝમ કેમ્પ એક સુંદર અવિસ્મરણીય સ્થળ છે.સાગના ગાઢ જંગલો વચ્ચે આવેલી આ કેમ્પ સાઇટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે,અહી રહેવા માટે બામ્બુ કોટેજ અને ટેન્ટ પણ ઉપલબ્ઘ છે.

કેમ્પ પાસેથી પૂર્ણા નામની નદી વહે છે,જ્યારે આપણે નાઈટ આઉટ માટે અહી રોકાયા હોય અને રાત્રીમાં નિદ્રામાં હોઈએ ત્યારે આ નદીના પ્રવાહનો સુર આપણા કાનને સ્પર્શ કરે છે,અહી એક સરસ રેસ્ટ હાઉસ પણ આવંલું છે,વન વિભાગ દ્વારા અહી દેખરેખ અને જાણવણી કરવામાં આવે છે,રાત્રી રોકાણ માટે એસી વાળા રુમ પણ બનાવવામાં આવ્યા છે.ઈતિહાસ મુજબ આ મહાલ નામનું ગામ અંગ્રેજોના સમય વખતે અંગ્રેજોએ શોધ્યું હતું ,પછી અહી રેસ્ટ હાઉસ બનાવ્યું,આજે પણ અંગ્રેજો વખતનું  જુનું રેસ્ટ હાઉસ અહીના સુંદર પોઈન્ટ પર જોવા મળે છે.

અહી બહારથી આવતા પ્રવાસીઓ માટે તમામ સગવડો ઉપલબ્ઘ છે,ખાસ કરીને ગુજરાતીઓને ભોજનમાં કોમ્પ્રોમાઈઝ કરવું ગમતું હોતુ નથી પરંતુ અહી ભોજનની જો વાત કરવામાં આવેતો તમને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે,જેમાં ડાંગ જીલ્લાના ખાસ ધાન્ય એવા નાગલીના રોટલા, મકાઇના રોટલા, અડદની દાળ, ભાત જેવું સાદુ પરંતુ એકદમ સ્વદિષ્ટ ભોજન આપણાને બનાવી આપે છે.પૂર્ણા વન્યપ્રાણી અભયારણ્ય સાગ અને વાંસના ઊંચા-ઊંચા વૃક્ષોથી ઘેરાયેલું જંગલ છે. અહીં દીપડા અને હરણ  જેવા અનેક પ્રાણીઓ પણ જોવા મળે છે. શાંતિનો અનુભવ અને કુદરતના સાનિઘ્યમાં રહેવાની મજા અહી જગંલોની વચ્ચે જ છે.

નર્મદા જીલ્લાનું માલસામોટ અને સગાઈ ઈકો ટુરીઝમ

નર્મદા જીલ્લામાં આવેલો નિનાઈ ઘોઘ તો સૌ કોઈ જાણે જ છે,પરંતુ સગાઈ અને સામોટ નામના અહી બે હિલસ્ટેશનો પણ આવેલા છે, જ્યા આઘુનિક સુવિઘાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે,માત્ર તમે અહી શાંતિ અને કુદરતી વાતાવરણની મજા લઈ શકો છો,કુલ ૬૪૦ કિલોમીટરના અંતરીયાળ વિસ્તારમાં ફેલાયેલ “શુલપાણેશ્વર” વન્યપ્રાણી અભયારણ્યમાં ઇકો ટુરિઝમના ઘણા બઘા સ્થળો આવેલા છે,

વન વિભાગ દ્વારા અહી કોટેઝ અને ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે,સવારનો નાસ્તો અને બન્ને સમયનું ભોજન સાદુ સાત્વિક મળશે,સામોટ ગામમાં સુંદર ગાર્ડન પણ જોવા મળે છે,તે ઉપરાંત અહી આસપાસના ઘણા વિસ્તારો જોવા લાયક છે, અનેક નાના-મોટા ઝરણાઓ આકર્ષણનું કેન્દ્ર છે,ખળખળ વહેતા ઝરણાનો અવાજ તમને કુદરતની હયાતીનો એહસાસ કરાવે છે,આસપાસના વિસ્તારોમાં અનેક પર્વતોની હારમાળાાઓ આવેલી છે,ઊંચા ઊંચા પર્વતો અને પર્વતોની વચ્ચેથી વહેતું ઝરણું જાણે કુદરતના ખોળામાં રહેવાનો આનંદ અપાવે છે,જો તમને કુદરતના સાનિઘ્યની મજા જ માણવી હોય તો તમારા માટે સગઈ-સામોટ ગિરિ મથકો બેસ્ટ જગ્યા છે.

નર્મદા જીલ્લાના રાજપીપળા પાસે આવેલું વિશાલખાડી ઈકો ટુરીઝમ

રાજપીપળા શહેરથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ,જ્યા રાજવંત પેલેસ આવેલો છે,ગુજરાતી ફિલ્મોના શૂંટીંગ પણ આ પેલેસમાં કરવામાં આવે છે,દુર-દુરથી લોકો રાજપીપળા શહેરની મુલાકાતે આવતા હોય છે,રાજપીપળામાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે,પર્વતોની હારમાળી આવેલી છે.

રાજપીપળાથી નેત્રંગ જતા માર્ગ પર આવેલું છે આ વિશાલ ખાડી ઈકો ટુરીઝમ.રાજપીપળાથી 22 કિલો મીટર અને જો તમે નેંત્રગથી આવતા હોય તો પણ એટલું જ અંતર અંદાજે 18 કિલો મીટર ,વિશાલ ખાડી જંગલ વિસ્તારથી જ ઘેરાયેલી એક કેમ્પસાઈટ છે, અહી એક ખાડી એટલે કે મોટી નદીમાંથી નાની-નાની નદીઓ ઉત્પન્ન થતી હોય અને અનેક અતંરીયાળ વિસ્તાર સુઘી ફેલાતી હોય તેને ખાડી કહેવામાં આવે છે.

વિશાલખાડી પણ એક એવી જ ખાડી છે,જેમાં નર્મદાનું પાણી જોવા મળે છે,જ્યારે કરજણ ડેમ ઓવરફ્લો થાય ત્યારે અહી પાણીનું પ્રમાણ વઘી જાય છે,અહી નૌકા વિહાર કરવાની મજા જ કંઈક જુદી છે,એક મસમોટા ડુંગરની નીચે  આ ખાડી આવેલી છે,ખાડીના કાંઠે અનેક નારીયેળીના વૃક્ષો કુદરતની સુંદરતામાં વઘારો કરે છે,તે સાથે અહી રોકાવા માટે પાકા રુમ અને ટેન્ટની પણ વ્યવસ્થા છે,રાત્રી રોકાણ કરી શકાય છે, વનવિભાગ દ્વારા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

અહીનું વાતાવરણ એકદમ શુદ્ધ જોવા મળે છે,ચારે બાજુ ડુંગરોની હારમાળા છે,આ ઈકો ટુરીઝમમાં અનેક અવનવી વનસ્પતિઓ પણ છે,અહી ખાડી નીચાણ વાળા વિસ્તારમાં આવેલી છે,એટલે પગપાળા અંદાજે 20 મિનિટ નીચે ઉતરવું પડે છે,જે દ્રશ્ય ખુબ જ સુંદર છે,ખાડીના પાણીમાં હલેસા મારતી હોળીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે.અનેક પક્ષીઓના કલરવ સાંભળવા મળે છે,દુનિયાભરની શાંતિ તમે અહી અહેસાસ કરી શકો છો.શહેરી વિસ્તારથી દુર અને માત્રને માત્ર કુદરતના ખોળામાં રમતી આ વિશાલખાડીમાં ફરવાની મજા જ કંઈક જુદી છે.