Site icon Revoi.in

ગુજરાતમાં પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

Social Share

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહી છે, જે ગુજરાત પોલીસ માટે એક ગર્વની વાત છે. ગયા વર્ષે CRPF દ્વારા દિલ્હીમાં આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વર્ષે ગુજરાત પોલીસને આ તક મળી છે.  વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ સાથે દર વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવતું હોય છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ આ ચેમ્પિયનશિપના ભાગ લેનાર તમામ પોલીસ ખેલાડીઓ તેમજ તમામ આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર 17 થી 20 ઓક્ટોબર દરિમયાન 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-2023નું આયોજન કરાયું છે. વર્ષ 1998માં કર્ણાકટ પોલીસ દ્વારા બેંગલુરૂમાં  પ્રથમ વખત ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું  હતું, જેમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું અને હું પણ એ ટુર્નામેન્ટનો ભાગ રહ્યો હતો. દર વર્ષે વિવિધ રાજ્યની પોલીસ દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તે માટે વિવિધ કમિટીની રચના પણ કરવામાં આવી છે.

ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-2023ના પ્રાંરભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, કૌશિકભાઈ જૈન, દિનેશભાઇ કુશવાહ, અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર, રાજ્યના પોલીસ અધિકારીઓ, ભારતભરમાંથી આવેલા DGP, એડિશનલ DG, IG, DYSP અને SP કક્ષાના સિનિયર અધિકારીઓ તેમજ ગુજરાત ટેનિસ ફેડરેશનના તેમજ ગુજરાત સ્પોર્ટ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.