Site icon Revoi.in

T20 વર્લ્ડકપ 2026નો પ્રથમ મોટો અપસેટ: ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયા હાર્યું

Social Share

કોલંબો, 13 ફેબ્રુઆરી 2026: વર્લ્ડકપ 2026માં એક એવો ઉલટફેર જોવા મળ્યો છે જેની ક્રિકેટ જગતે કલ્પના પણ નહોતી કરી. ટૂર્નામેન્ટના 19માં મુકાબલામાં ઝિમ્બાબ્વેએ વર્ષ 2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં કાંગારૂઓને પાણી પીવડાવ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 169 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની મજબૂત બેટિંગ લાઇન-અપ ઝિમ્બાબ્વેના બોલરો સામે લાચાર દેખાઈ હતી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 19.3 ઓવરમાં માત્ર 146 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, સિકંદર રઝાની આગેવાની હેઠળની ઝિમ્બાબ્વે ટીમનો T20 વર્લ્ડકપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે જીતનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે. આ અગાઉ 2007ના પ્રથમ T20 વર્લ્ડકપમાં પણ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને ચોંકાવી દીધા હતા. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 4 T20 મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 2-2 મેચ જીતીને બરાબરી પર છે. જોકે, વર્લ્ડકપમાં હજુ સુધી કાંગારૂઓ ઝિમ્બાબ્વેને હરાવી શક્યા નથી.

ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ મેદાન પર જે જુસ્સો બતાવ્યો તેનાથી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ સાબિત કરી દીધું છે કે ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાં કોઈ પણ નાની ટીમ ગમે ત્યારે મોટો ઉલટફેર કરી શકે છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન કેમ્પમાં આ હાર બાદ સોંપો પડી ગયો છે.

Exit mobile version