Site icon Revoi.in

કચ્છમાં ધરા ધણધણીઃ 24 કલાકમાં ભૂકંપના 5 આંચકા

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા નોંધાયા હતા. જો કે, આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થી ન હતી. ભૂકંપના આંચકાથી સૌથી વધારે અસર દૂધઈ અને તેના આસપાસના વિસ્તારમાં થઈ હતી. કચ્છમાં ચાર ફોલ્ટલાઈન સક્રિય છે જેથી કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા હોવાનું માનવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, કચ્છના દૂધઈ નજીક 24 કલાકના સમયગાળામાં 3.6, 2.6 અને 2.1ની તીવ્રતાના આંચકા નોંધાયા છે. આ તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ દૂધઈ નજીક જ નોંધાયું હતું. આ ઉપરાંત કચ્છના બેલા નજીક 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છના દૂધઈ અને બેલામાં ભૂકંપના આંચકા આવતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ચાર દિવસ પહેલા પણ ભૂકંપનો આંકડો નોંધાયો હતો. તેની તીવ્રતા રિકટેર સ્કેલ ઉપર 3.1ની નોંધાયો હતો. તેમજ તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક જ નોંધાયું હતું.  ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે.