Site icon Revoi.in

પ્રચંડ વાવાઝોડા સામે સોમનાથ મહાદેવ મંદિરના શીખર પરની ધજા-ત્રિશુલ અડિખમ

Social Share

તાઉ-તે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. 40 હજારથી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે તો 1081 વીજ થાંભલા ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર રોડ બ્લોક થઈ ગયા છે. પરંતુ કહેવાય છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવજીના મંદિરના શિખર પરની ધજા અને ત્રિશુળ અડિખમ રહ્યા હતા. મંદિરમાં પરિસર કે મિલ્કતને કોઈ જ નુકશાન થયું નથી. એટલે ઝંઝાવાતી વાવાઝોડાએ દેવાધિદેવ મહાદેવજીને દુરથી નમન કર્યા હતા.

વાવાઝોડું તૌકતેની સોમનાથ અને વેરાવળમાં નહીવત અસર જોવા મળી રહી છે. સોમનાથ મંદિરના ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ દાદાની અમી નજર ફરી એકવાર જોવા મળી છે. તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાબિત થઈ છે. જેના કારણે જ અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા-ત્રિશુલ અડીખમ જોવા મળી રહ્યું છે.

અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની એકેય મિલકતને નુકસાન થયું નથી. ભૂતકાળમાં પણ અનેક પ્રચંડ વાવાઝોડા આવેલા છે, આસ્થા ગણો કે શ્રદ્ધા સોમનાથ મહાદેવ મંદિર કે દ્વારકાધિશના મંદિરને કોઈ નુકશાન થયુ નથી. બન્ને મંદિરો ઘૂંઘવાતા સમુદ્રના કિનારે આવેલા છે. પણ અત્યાર સુધીના વાવાઝોડામાં બન્ને મંદિરો સુરક્ષિત રહ્યા છે. સોમનાથ, વેરાવળ શહેરને પણ વાવાઝોડાથી બહુ જ ઓછું નુકશાન થયું છે.