રાજકોટ, 27 જુલાઈ, 2026 – દુબઈથી મુંબઈ જઈ રહેલા વિમાનનું રાજકોટમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. અહેવાલ મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટમાં સોમવારે કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો જોવા મળ્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી.
ફ્લાઈટ ઉડ્ડયન કરી ચૂકી હતી ત્યારે જ તેના કાર્ગો એરિયામાં ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ફ્લાઈટને રાજકોટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં કુલ 194 લોકો સવાર હતા. માહિતી અનુસાર, બપોરે 2:45 વાગ્યે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને 3:27 વાગ્યે ફ્લાઈટે રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.
આ દરમિયાન પૂરી 42 મિનિટ સુધી 194 લોકોના શ્વાસ અધ્ધર રહ્યા હતા. જોકે, અંતે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા અને ધુમાડો નીકળવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાએ જણાવ્યું હતું કે, “દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટને કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો દેખાયા બાદ રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું છે, અને તમામ મુસાફરો સુરક્ષિત છે.” આ જ મહિનાના મધ્યમાં બેંગલુરુમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી હતી, પરંતુ તપાસ દરમિયાન પોલીસને કંઈ મળ્યું ન હતું.
એરપોર્ટ પર ફાયર બ્રિગેડ પણ તૈનાત કરાઈ
એરબસ A321 એરક્રાફ્ટ, ફ્લાઈટ નંબર IGO1452 માં 194 પેસેન્જર સવાર હતા. પ્લેન દુબઈથી મુંબઈ માટે રવાના થયું હતું. રસ્તામાં પ્લેનના કાર્ગો હોલ્ડ એરિયામાં ધુમાડો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં પેસેન્જરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં એરપોર્ટ અધિકારીઓએ બપોરે 2:45 વાગ્યે પૂર્ણ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. પ્લેન બપોરે 3:27 વાગ્યે રાજકોટના હિરાસર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. આગ લાગવાની આશંકાને કારણે, પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમોને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. તમામ પેસેન્જરોને એરક્રાફ્ટમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, જેનાથી એક મોટી હોનારત ટળી ગઈ હતી.
કાઠમંડુથી લખનૌ ડાયવર્ટ થયું ચાઈના સધર્ન એરલાઈન્સનું વિમાન
બીજી તરફ, કાઠમંડુમાં ખરાબ હવામાનના કારણે ચાઈના સધર્ન એરલાઈન્સની ફ્લાઈટ CZ 3067 નો રૂટ ડાયવર્ટ કરીને તેને લખનૌ મોકલવામાં આવી હતી. લખનૌ સ્થિત ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, ”કાઠમંડુમાં ખરાબ હવામાનના કારણે ચાઈના સધર્ન એરલાઈન્સની ફ્લાઈટ સંખ્યા CZ 3067 (એરબસ A320neo) નો રૂટ ડાયવર્ટ કરીને લખનૌ મોકલવામાં આવી હતી. આ પ્લેન રવિવારે રાત્રે 11:18 વાગ્યે લખનૌ એરપોર્ટ પર ઉતર્યું હતું.” તેમણે જણાવ્યું કે આ વિમાને ચીનના ગ્વાંગઝૂથી ઉડાન ભરી હતી અને તેને કાઠમંડુમાં ઉતરવાનું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 159 મુસાફરો સવાર હતા.

