Site icon Revoi.in

પૂરપીડિત પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત પાસે મદદ લેવાનો ઈન્કાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તાજેતરમાં અમેરિકન મેગેઝિનને વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે ચીન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર પૂછાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં તેણે ભારત વિશેના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે. આ જવાબોની ભારત પર કોઈ અસર થવાની નથી, પરંતુ આવનારા દિવસોમાં તેની અસર પાકિસ્તાન પર ચોક્કસ પડશે અને જોવા પણ મળશે. એટલું જ નહીં, આ ઈન્ટરવ્યુમાં તેણે ભારત વિશે જે વાતો કહી છે તે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો વિશે પણ ઘણું બધું કહી રહી છે. આ ઈન્ટરવ્યુમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાન ખુદ ભારત સાથે સંબંધો સુધારવા ઈચ્છુક નથી. બિલાવલની પાર્ટી PPP દ્વારા પણ આ ઈન્ટરવ્યુ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આ મેગેઝીનના મુખ્ય સંપાદકે પૂછ્યું કે, શું પાકિસ્તાનને પૂર પીડિતો માટે ભારત તરફથી કોઈ મદદ મળી છે. તો બિલાવલે માત્ર એક શબ્દમાં ના કહીને તેનો જવાબ આપ્યો. આ પછી મુખ્ય સંપાદકે પૂછ્યું કે શું પાકિસ્તાન ભારત પાસેથી કોઈ મદદ લેશે, તો બિલાવલે ફરીથી નકારાત્મક જવાબ આપ્યો હતો.

ઈન્ટરવ્યુમાં તેમને ફરી પૂછવામાં આવ્યું કે, શું તેઓ માને છે કે ભારત પૂરથી તબાહ પાકિસ્તાન માટે તેમની મદદ કરશે. બિલાવલે પણ એ જ રીતે જવાબ પણ ના માં આપ્યો હતો. મુખ્ય સંપાદકે બિલાવલને પૂછ્યું કે શું તે મદદ લેવા માંગે છે. આ સવાલના જવાબમાં બિલાવલે કહ્યું કે તેણે પાકિસ્તાન માટે કોઈની પાસે કોઈ મદદ માંગી નથી. અમેરિકા હોય કે ચીન કે મધ્ય એશિયાના દેશો બધાએ સ્વયંસેવકોના રૂપમાં મદદ કરી છે. આ આખા ઈન્ટરવ્યુમાં બિલાવલ પર મુખ્યત્વે પૂર પીડિતોની મદદને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભારત વિશેના પ્રશ્નો અને જવાબો ખૂબ જ ખાસ બની ગયા છે કારણ કે પૂર પછી દેશના કાપડ ઉદ્યોગે પાકિસ્તાન સરકારને ભારતની મદદ લેવાની અપીલ કરી છે. એટલું જ નહીં, કાપડ ઉદ્યોગની આ માંગ પર પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ પણ સ્વીકાર્યું હતું કે તેઓ પોતે ઈચ્છે છે કે પાકિસ્તાન આ મામલે આગળ વધે.