Site icon Revoi.in

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના પગલે સુરતમાં હવે ઈ-વાહનનો ક્રેઝ વધ્યોઃ બે મહિનાનું વેઈટીંગ

Social Share

સુરતઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે વાહનો ચલાવવા ખૂબજ મોંઘા પડી રહ્યા છે. લોકોને હવે વાહન ચલાવવું પરવડતું જ નથી. એટલે ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં સુરતમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે, જેને લઈને લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.

ઈલેક્ટ્રિક પોલિસી જાહેર કર્યાના 10 દિવસમાં જ સુરતમાં 100 ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કારમાં 2 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. હાલ જે ઈલેક્ટ્રિક્સ કાર મળી રહી છે એને ઘરે ચાર્જ કરી શકાય છે. 6થી 8 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થાય છે, પરંતુ શહેરમાં અલગ અલગ જગ્યાએ 3 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બન્યાં છે, જેમાં કાર ફુલ ચાર્જ કરતાં 1 કલાકનો સમય થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા સુરતમાં ઈ-કારના અલગ-અલગ મોડલ લોંચ કરવામાં આવ્યાં છે. બંને કંપનીઓ મળીને અંદાજે 100થી ‌વધારે કારનું બુકિંગ થઈ ગયું છે, પરંતુ એમાંથી એકસાથે 50 જેટલી કારની ડિલિવરી અષાઢી બીજના દિવસે આવશે.

એક કાર ડીલરના સાઉથ ગુજરાત સેલ્સ મેનેજરે જણાવ્યું હતું કે,  હવે ઈલેક્ટ્રિક કારને જોવાનો લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. હવે ફ્યુચર બેટરીવાળી કારનું છે, જેને લઈને લોકો બેટરીવાળી કાર તરફ વળ્યા છે. લોકોમાં ગઝબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા સબસિડી જાહેર કરવામાં આવી છે, જેને કારણે લોકોને ફાયદો થતો હોવાથી તેઓ ઈ-કારના ઉપયોગ તરફ વળી રહ્યા છે.