Site icon Revoi.in

ભારતમાં પ્રથમવાર ઓલિમ્પિકના આયોજન માટે કવાયતઃ આ શહેરમાં કરાશે આયોજન

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના વિવિધ રમતના ખેલાડીઓને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાનું સ્વપ્ન હોય છે. ઓલિમ્પિક સ્પર્ધા વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ખેલકુદ સ્પર્ધા ગણાય છે. દરમિયાન વર્ષ 2036માં ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં ઓલમ્પિકના આયોજન અંગે કવાયત શરૂ કરાઈ છે. એટલું જ નહીં ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો ખુબજ સક્ષમ અને અસરકારક રીતે રજૂ કરી શકાય તે માટે વિશ્ર્વકક્ષાના ક્ધસલ્ટન્ટો પણ મદદ કરવા તૈયાર થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં પહેલી વખત ઓલિમ્પિક સ્પર્ધા યોજવા માટે અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદની ઐતિહાસિક ભૂમિ પર વિશ્ર્વની સૌથી મોટી ખેલકુદ સ્પર્ધાના આયોજન માટે મજબૂત રીતે દાવો નોંધાવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળનો સંપર્ક કરી રહ્યાં છે. 2036માં યોજાનાર ઓલિમ્પિકની યજમાની ગુજરાતના મહાનગર અમદાવાદને મળવાની શકયતાઓ વધુને વધુ ઉજળી બની રહી છે. ગુજરાત સરકારે ઓલિમ્પિકના દાવા અંગેની દરખાસ્ત કેન્દ્રના સ્પોર્ટસ અને યુવા બાબતોના મંત્રાલયને મોકલી આપી છે.

ઓલિમ્પિક સ્પર્ધા માટે દાવો કરનાર શહેરમાં પાયાના માળખાની સુવિધાઓ, શહેરની આયોજનની ક્ષમતા, આર્થિક શક્તિ જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમીટી જે તે શહેરના દાવાને મંજૂરીની આખરી મહોર મારે છે. અમદાવાદ દેશનું સૌથી વધુ ઝડપથી વિકાસ પામતું મહાનગર છે. અમદાવાદને ઓલિમ્પિક માટે સજ્જ કરવા માટે અત્યારથી જ તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે.

‘ઔડા’ દ્વારા ઓલિમ્પિકને છાજે તે પ્રકારે મહાનગરના કાયાકલ્પની યોજના અને રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ માટેના સ્થળ અને પાયાના માળખાની પસંદગી તેમજ તૈયારીઓ માટે ચર્ચા-વિચારણા અને મુલ્યાંકન કરવા દેશ અને વિશ્ર્વના કન્સલ્ટન્ટ પાસેથી ગુજરાતે દરખાસ્તો મંગાવી છે. જો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની યજમાની માટેના તમામ માપદંડો અને ક્ષમતાની કસોટીમાંથી પાર ઉતરશે તો 2036માં એક અનેરો ઈતિહાસ સર્જાઈ જશે.

ઔડાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કન્સલ્ટન્ટની પસંદગી ખુબજ નિર્ણાયક બની રહે છે કેમ કે આઈઓસી સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે. સતત અને લક્ષ્‍ય આધારીત વાટાઘાટો ચાલુ રાખવી પડે છે. આઈઓસીના નીતિ નિયમો, ઓલિમ્પિક ચાર્ટર અને આઈઓસીના કોડ ક્ધડકટ વગેરેને અનુકુળ થવું પડે છે એ જ રીતે તૈયારીઓની વિગતો આઈઓસી સમક્ષ રજૂ કરવી પડે છે. એટલે કન્સલ્ટન્ટની પસંદગી ખુબજ મહત્વની અને નિર્ણાયક બની રહેશે.

 

ભારતમાં અગાઉ એશિયાડ અને કોમનવેલ્થ જેવા વિશ્ર્વકક્ષાના રમતોત્સવ યોજાઈ ગયા છે. પરંતુ ભારતમાં કદી પણ ઓલિમ્પિકનો મેળાવડો યોજાયો નથી. હવે પહેલી વખત યજમાન બનવાની શકયતાઓ ઉજળી બની છે અને દાવેદારોમાં અમદાવાદનું નામ મોખરે ચાલી રહ્યું છે. જો ઓલમ્પિક માટેની મંજૂરી મળી જાય તો માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં ભારતનો પણ દુનિયામાં ડંકો વાગશે.