Site icon Revoi.in

કોંગ્રેસના કોઈ વડાપ્રધાને લક્ષદ્રીપની મુલાકાત નહીં લીધીઃ આંદામાન-નિકોબારના પૂર્વ સાંસદનો દાવો

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ માલદીવ સરકારની ટીકા થઈ રહી છે. આ વિવાદ વચ્ચે ભારતના મહાનુભાવો દ્વારા માલદીવને બદલે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓમાં રોકાણ કરવાનું વિચારવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આંદામાન અને નિકોબારથી ભાજપના પૂર્વ સાંસદ વિષ્ણુ પદ રેએ પણ માલદીવ સરકાર પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતો. તેમજ તેમણે આ વિવાદને લઈને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યાં હતા.

તેમણે કહ્યું, ‘PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત ઐતિહાસિક હતી. કોંગ્રેસના શાસનમાં લક્ષદ્વીપમાં એક પણ વિકાસ કામ થયું નથી. કોંગ્રેસના કોઈ વડાપ્રધાને ત્યાં પગ પણ મૂક્યો ન હતો. માલદીવ આપણો પાડોશી અને મિત્ર દેશ છે, પરંતુ અમે એ પણ જોયું છે કે થોડા શબ્દોથી કેટલું નુકસાન થયું છે. PM મોદીએ લક્ષદ્વીપને એક અદ્ભુત પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું છે, જેથી દુનિયાભરના લોકો અહીં ફરવા આવી શકે.

ભારત-માલદીવ વિવાદ પર આંદામાન અને નિકોબારના ટૂર ઓપરેટર્સ એસોસિએશનના પ્રમુખ મોહન વિનોદે કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ અન્ય રાજ્યોની જેમ લક્ષદ્વીપની મુલાકાત લીધી, તેમાં કંઈ ખોટું નથી. એક વર્ષ પહેલા પીએમ મોદીએ દેખો અપના દેશઅભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ તેમણે ભારતીયોને વિદેશ પ્રવાસ કરતા પહેલા તેમના દેશની મુલાકાત લેવાની અપીલ કરી હતી. દેશમાં માલદીવ, બાલી અને ઇન્ડોનેશિયા કરતાં વધુ સારી અને સુંદર જગ્યાઓ મળશે.

2 જાન્યુઆરીએ પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે સ્નોર્કલિંગમાં હાથ અજમાવવાના પોતાના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીની આ પોસ્ટ પર માલદીવની મંત્રી મરિયમ શ્યૂમાએ ભારતીય વડાપ્રધાન પર અપમાનજનક ટિપ્પણી કરીને મજાક ઉડાવી હતી. તેમની પોસ્ટમાં PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો પણ હતી.