Site icon Revoi.in

AAP’ના કેજરીવાલ, સિસોદિયા, ભગવત માન સહિત ચાર નેતાઓ આજે ગુજરાતની મુલાકાતે આવશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે બેથી અઢી મહિના જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે.  આજે તા. 1લી  ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચડ્ડા પણ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. 1લી ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છમાં એક જંગી જનસભાને સંબોધિત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. અરવિંદ કેજરીવાલ તો દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના મતદારોને રિઝવવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ એક સાથે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં કચ્છના ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં આજે બપોરે 12:00 વાગે કેજરીવાલ સભાની સંબોધિત કરશે. ત્યારબાદ જૂનાગઢના જોશીપુરામાં ખલીલપુર રોડ પરના ખોડલ ફાર્મ ખાતે બપોરે 3:00 વાગે એક મોટી જનસભાને સંબોધિત કરશે. આ બન્ને કાર્યક્રમો બાદ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન બીજા દિવસે એટલે કે 2 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ ખેડબ્રહ્મામાં ઉંદવા, શ્યામનગરના મારુતિ સર્વિસ સ્ટેશન પાછળ એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે.દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે. અરવિંદ કેજરીવાલ પણ પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.(file photo)