Site icon Revoi.in

ખેડામાં નવજાત બાળકોને વેચવાના કૌભાંડનો પર્દાફાશઃ ચાર આરોપીઓની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતના ખેડામાં નવજાત બાળકોને વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. અન્ય રાજ્યની ગરીબ ગર્ભવતી મહિલાઓને નાણાની લાલચ આપીને ગુજરાત લાવવામાં આવતી હતી. અહીં જ તેમની પ્રસૃતિ કરાવ્યાં બાદ નવજાત બાળકને બારોબાર વેચી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર બે મહિલાઓ મારફતે અન્ય રાજ્યની ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો હતો. તેમજ તેમને મોટી રકમની લાલચ આપવામાં આવતી હતી. જો મહિલા બાળક આપવા તૈયાર થાય તો તેને ડિલીવરીના ચારેક મહિના પહેલા જ ગુજરાતમાં લાવવામાં આવતી હતી અને હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવતી હતી. એટલું જ નહીં આવી મહિલાઓને હોસ્પિટલની નજીકમાં આવેલી હોટલ કે ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવતી હતી. જેથી જરૂર પડે ત્યારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી શકાય.

આ સમગ્ર રેકેટ અંગે ખેડા એસઓજીને માહિતી મળતા ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. વચેટિયા તરીકે કામ કરતી બંને મહિલાઓ નડિયાદની હોવાનું જાણવા મળે છે.