Site icon Revoi.in

ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા બંધ કરાશે

Social Share

નવી દિલ્હીઃ ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે. મુક્ત આવા-ગમન વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય સરહદની બંને તરફ રહેનાર લોકોને વિઝા વિના એક-બીજાના વિસ્તારમાં 16 કિમી અંદર યાત્રા કરવાની મંજુરી આપવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, પીએમ મોદીનો સંકલ્પ છે કે અમારી સરહદ સુરક્ષિત રહે, આ માટે ગૃહ વિભાગે નિર્ણય લીધો છે કે, દેશની આંતરિક સુરક્ષાને મજબુત બનાવવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોની જનસંખ્યા માળખુ જળવાય રહે આ માટે મુક્ત આવા-ગમન વ્યવસ્થા ખતમ કરવામાં આવશે.

આ નિર્ણય અમિત શાહના નિવેદનના બે દિવસ બાદ લેવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત મ્યાંમાર સાથે જોડાયેલી 1643 કિમી લાંબી સરહદ ઉપર તારની વાડની સાથે સુરક્ષા જવાનોના પેટ્રોલીંગનો ટ્રેક બનાવાશે. આ જાહેરાત મણિપુરમાં કુકી અને બહુસંખ્યક મૈતઈ વચ્ચે થઈ રહેલી જાતિય હિંસાની ઘટનાઓ બાદ કરાઈ છે. સરહદ ઉપર તાર લગાવવાની માંગણી ઈન્ફાલ ઘાટીમાં મૈતઈ સમુદાય દ્વારા કરવામાં આવી રહી છે.

આરોપ લાગી રહ્યો છે કે, આદિવાસી ઉગ્રવાદી અવાર-નવાર ખુલ્લી સરહદના માધ્યમમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. મૈતઈ સમુદાયનો એવો પણ આરોપ છે કે, વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો ફાયદો ઉઠાવીને ભારતમાં માદક દ્રવ્યોની તસ્કરી પણ કરવામાં આવી રહી છે. ભારતના ચાર રાજ્ય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ મ્યાનમાર સાથે 1643 કિમી લાંબી સરહદ ધરાવે છે.  ફેબ્રુઆરી 2021માં મ્યાંમારમાં સૈન્ય તખ્તાપલટ બાદ ત્યાંથી 31 હજારથી વધારે લોકોએ મિઝોરમમાં શરણ લીધો છે. જેમાંથી મોટાભાગના ચીન રાજ્યના છે. જ્યારે કેટલાક લોકોએ મણિપુરમાં શરણ લીધી છે.