આજના આધુનિક અને દોડધામભર્યા જીવનમાં માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ થવો એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ તણાવ લાંબા સમય સુધી જળવાઈ રહે અને તેના સ્તરમાં સતત વધારો થાય તો તે શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. જ્યારે માનસિક તણાવ ખતરનાક મર્યાદા વટાવી દે છે ત્યારે આપણું શરીર અનેક પ્રકારના શારીરિક સંકેતો આપવાનું શરૂ કરે છે. જો આ પ્રારંભિક સંકેતોને સમયસર ઓળખીને દૂર કરવામાં ન આવે તો સ્થિતિ ડિપ્રેશન અને અન્ય ગંભીર શારીરિક વ્યાધિઓ સુધી પહોંચી શકે છે.
માનસિક તણાવની સ્થિતિમાં શરીરમાં એડ્રેનાલિન અને કોર્ટિસોલ નામના હોર્મોન્સનું ઉત્પાદન વધી જાય છે, જે શરીરની કુદરતી રોગપ્રતિકારક અને બચાવ પ્રણાલીને અસામાન્ય રીતે સક્રિય કરી દે છે. તણાવના પ્રારંભિક તબક્કામાં હાથની હથેળીઓમાં પસીનો વળવો, હૃદયના ધબકારા ઝડપી થવા અને અચાનક પેટમાં ગડબડ થવી જેવા લક્ષણો દેખાય છે. જો તણાવ ક્રોનિક બની જાય તો તે પાચનતંત્ર પર સીધી અસર કરે છે. કોર્ટિસોલ હોર્મોનનું ઊંચું પ્રમાણ પાચનક્રિયાને ધીમી પાડે છે, જેનાથી પેટમાં સતત દુખાવો, ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ રહે છે. લાંબા ગાળે આ સ્થિતિ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) માં પરિણમી શકે છે, જેના માટે ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટની સલાહ લેવી અનિવાર્ય બની જાય છે.
તણાવની અસર માત્ર આંતરિક અંગો સુધી સીમિત ન રહેતાં બાહ્ય સૌંદર્ય પર પણ સ્પષ્ટપણે દેખાય છે. સતત તણાવમાં રહેવાથી વાળની કુદરતી ગ્રોથ સાયકલ ખોરવાઈ જાય છે, જેના કારણે બારમાસી વાળ ખરવા, પાતળા થવા કે ગુચ્છામાં વાળ ઊતરી જવા જેવી સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત, કોર્ટિસોલ હોર્મોનના કારણે ત્વચામાં તૈલી પદાર્થ એટલે કે સીબમનું ઉત્પાદન વધી જાય છે. ત્વચા વધુ ઓઈલી બનવાથી અને ધૂળ-માટીના કણો છિદ્રોમાં ભરાઈ જવાથી ચહેરા પર સતત ખીલ (પીંપલ્સ) થવા લાગે છે.
-
લાંબા ગાળાનો તણાવ હોર્મોનલ અસંતુલન પેદા કરે છે
આ સિવાય, લાંબા ગાળાનો તણાવ હોર્મોનલ અસંતુલન પેદા કરે છે, જે પુરુષોની જાતીય ક્ષમતા અને સ્પર્મ ક્વોલિટી પર નકારાત્મક અસર પાડે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ક્રોનિક સ્ટ્રેસના કારણે હૃદયના ધબકારા અસામાન્ય રીતે વધી જાય છે, બ્લડ શુગરનું સ્તર ઊંચું જાય છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વધે છે. જો બ્લડ પ્રેશર સતત ઊંચું રહે તો વ્યક્તિ હાઈપરટેન્શનનો શિકાર બની શકે છે, જેને તબીબી જગતમાં સાયલન્ટ કિલર માનવામાં આવે છે. તેથી, તણાવના આ સંકેતોને અવગણવાને બદલે યોગ્ય જીવનશૈલી અને તબીબી માર્ગદર્શન અપનાવવું અત્યંત જરૂરી છે.

