Site icon Revoi.in

નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6થી 8માં વિદ્યાર્થીઓને 10 દિવસ દફતર લીધા વિના શાળાએ આવવું પડશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી જૂન-2023થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં ધો.6થી ધો.8માં ઈત્તર પ્રવૃત્તિ સાથે જ વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ કરવાના હેતુથી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય શિક્ષણના ભાગરૂપે બે સત્રમાં થઇને 10 દિવસ બેગલેસ અભ્યાસનો પ્રયોગ કરવામાં આવશે. સર્વશિક્ષા અભિયાનનાં ભાર વગરના ભણતરની સંકલ્પની સામે આજે પણ પ્રાથમિક શાળાના બાળકોની સ્કૂલ બેગનો ભાર વધુ જોવા મળે છે. એટલે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને 10 દિવસ દફતર લીધા વિના શાળાએ આવવાનું રહેશે.ત્યારે આ નિર્ણય કેટલો સફળ રહેશે એ તો ભવિષ્ય જ કહેશે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિમાં ઘણાબધા ફેરફારો સુચિત કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ 6થી 8માં વિદ્યાર્થીઓને બણરનો ભાર હળવો કરવાના પ્રયાસો કરાશે, વિદ્યાર્થીઓનું 10 દિવસનું શિક્ષણ બેગલેસ કરાશે. દરમિયાન બેગલેસ ભણતરની સંકલ્પના માટે ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા શાળાઓમાં 10 દિવસ બેગલેસને કઇ રીતે સાકાર કરવા તે અંગે શિબિર યોજાઇ હતી. બાળકોમાં કૌશલ્ય ખિલે તેમજ સર્જનાત્મકતા, ગુણવત્તા બાબતે સભાનતા વિકસે તે હેતુ છે. કલા, ક્વિઝ, રમતગમત અને વ્યાવસાયિક હસ્તકલાની જુદી જુદી પ્રવૃતિઓ માટે સમગ્ર વર્ષમાં 10 દિવસ બેગલેસ શિક્ષણ અપાશે. આ દિવસોમાં જ્ઞાન પ્રાપ્તિ નહીં પણ મૂલ્યો વિકસે તેમજ બહુવિધ કૌશલ્યના નિર્માણ માટે આ 10 દિવસ મહત્વના રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બેગલેસ અભ્યાસમાં શૈક્ષણિક પ્રવાસો, ફિલ્ડ વિઝિટ, પ્રયોગો, કુદરતી સંશોધનો, સર્વેક્ષણો અને કસ અભ્યાસ, વાલીઓ વિ.ને સાંકળતા ઇન્ટરવ્યૂ થશે. આના અમલીકરણ માટે આયોજન ઘડાશે. ઇન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓની વાર્ષિક કાર્ય યોજના તૈયાર કરવી જોઇએ તેમજ ચોકસાઇપૂર્વક અમલ કરવો જોઇએ. ભાવનગરના તાલીમ ભવન ખાતે 10 બેગલેસ ડે વિષયક કાર્ય કરાયું હતુ અને તેમાં 100 તાલીમાર્થીઓ જોડાયા હતા. આ વર્ગનું સંચાલન ડૉ રાજેશ્રી ઔંધિયાએ કર્યું હતુ. 10 બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ માટે એક વર્ષમાં ઓછામાં ઓછા 10 દિવસ અથવા તો શાળાના કુલ કલાકોમાંથી 60 કલાકનો સમય ફાળવવામાં આવશે. રાષ્ટ્રીય સ્મારકો, મ્યુઝિયમની મુલાકાત, હસ્તકલા, વાંસનું કામ, કચરામાંથી શ્રેષ્ઠ બનાવવું, શૈક્ષણિક રમતો કે સ્પોર્ટસ, સ્વચ્છતા અને સફાઇ, પર્યાવરણ અને હરિત પ્રવૃત્તિઓ, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવી શકાશે. તો એનિમેશન, ગ્રાફિક્સ, પ્રોજેક્ટ, ડિઝાઇનીંગ, પતંગ બનાવવી, ડ્રોમટિક્સ, રોબોટિક્સ, નેટ વર્કિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇટી વિગેરેને આવરી લેવાશે. આ 10 દિવસ દરમિયાન વર્ગ ખંડની બહારની દુનિયા સાથે સંપર્ક કરવાશે. સમુદાય અને પરસ્પર નિર્ભરતાની જોડાણની સમજ વિકસાવવી. પ્રાયોગિક પ્રવૃત્તિ અને હાલના સ્થાનિક વ્યવસાયો જેવા કે સુથારી કામ, ઇલેક્ટિકલ કાર્ય, બાંધકામ, માટીકામ વિગેરે દ્વારા શ્રમને પ્રોત્સાહન અપાશે. શિલ્પકલાના કારીગરો સાથે વાતચીત કરવી અને લોકલ વીથ વોકલ વિકસાવાશે.