Site icon Revoi.in

 જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

What are we, stonemasons or sculptors?

What are we, stonemasons or sculptors?

Social Share

”હે પ્રાણસ્વરૂપ ! મારી સિતારના તારને કાટ ન ચડો. તેની ઉપર ધૂળ ન બાઝો. …”

 કવિવર ટાગોરની આ પંક્તિ સાથે જ મનમાં ઝબકી ઉઠે છે એક બહું જાણીતું ઉદાહરણ. .

એક ભવ્ય મંદિરનું કામ ચાલતું હતું. મજૂરો પથ્થર ફોડી રહ્યા હતા. ત્યારે કોઇએ એક મજૂરને પૂછયું ,”તું શું કરે છે? ‘

જવાબ મળ્યો, “પથ્થર ફોડું છું. “

બીજા મજૂરને એજ પ્રશ્ન પૂછાતાં તેણે જવાબ આપ્યો, “દીવાલ ચણુ છું ”

ત્રીજા મજૂરને પૂછતાં  જવાબ મળ્યો,” ઇશ્વરનું મંદિર બનાવું છું. “  તેની આંખોમાં એક ચમક હતી. કામમાં ઉત્સાહ હતો. મનમાં હોંશ હતી.

ચોથા મજૂરને પૂછતાં  જવાબ મળ્યો, “ આ પથ્થર આસપાસથી તેના નકામો ભાગ દૂર કરું છું. જેથી અંદર રહેલી મૂર્તિ ઝળહળી ઉઠે. ‘

કામ દરેક મજૂરનું એક જ હતું.  આદત મુજબ કામ  બધા કરતાં હતા.  જાગૃત કોણ હતું ? છેલ્લા બે મજૂર  જાગતા કામ કરી રહ્યા હતા. બાકી તો આદત હતી..એટલે કામ થતું  હતું.

આપણે  બધા શું કરીએ છીએ ? પથ્થર ફોડીએ છીએ કે મંદિર બનાવીએ છીએ ?

ઘડિયાળને કાંટે દોડતા માનવી પાસે આજે થોભવાનો, વિચાર કરવાનો  સમય નથી રહ્યો. કોઇને પૂછીએ કે “ હમણાં શું કરો છો ? ‘ અને મોટે ભાગે એકાક્ષરી જવાબ મળે છે. “ રુટીન :.કંઇ જ નહીં.

આ પણ વાંચોઃ જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…

શું છે આ રુટિન ? જુદી જુદી અનેક આદતોનો સરવાળો એટલે રુટિન. ભૂખ લાગી હોય કે નહીં..લંચ ટાઇમ થાય એટલે જમી લેવાનું. ચા ના સમયે ચા પી લેવાની. એક પછી એક કામ યંત્રવત ઉકેલાતા રહે છે. આદતસે મજબૂર.  જમતી વખતે હાથ વડે આપમેળે કોળિયા મોંમાં મૂકાતા રહે છે.  અને મગજમાં કામની અનેક વાતોના હિસાબ કિતાબ થતાં રહે છે. દરેક ક્રિયા જાણે યંત્રવત બની ગઇ છે.  માનવી રઘવાયો થયો છે. એને કયાંક પહોંચવાની ઉતાવળ જાગી છે. પણ કયાં પહોંચવું છે એનો એને ખ્યાલ..કોઇ સ્પષ્ટ જવાબ એની પાસે છે ખરો ?

સ્વામી વિવેકાનંદે  બહુ સરસ વાત કહી છે.

 “એક વિશાળકાય એન્જિન અને નાનકડી કીડીની તુલનામાં કીડી એ ચેતનાનો અંશ છે. એન્જીનને કોઇ દોડાવે છે એમ દૉડયે જાય છે. એની પાસે ગતિ છે. પણ એ ગતિ યંત્રની ગતિ છે.  ચેતન હીન ગતિ. કીડી  જેવું ક્ષુદ્ર જંતુ પણ વગર વિચાર્યે એક પણ પગલું નહીં ભરે. એ પોતાનો રસ્તો બદલી શકશે..એને કયાંય પહોંચવાનો રઘવાટ નથી.  એટલે એ પોતાને ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. એની મંઝિલ શોધી કાઢે છે. “

બજારમાં ગયેલા  માનવીને જાણ છે કે  એ શું લેવા માટે બજારમાં નીકળ્યો છે.. કોલેજ જનારને ખબર છે કે એ શા માટે કોલેજે આવ્યો છે. દરેકને પોતે આ જગ્યાએ શા માટે આવ્યો છે તેની સભાનતા છે. પરંતુ પોતે આ ધરતી પર શા માટે આવ્યો છે, અને આવ્યો છે તો પોતાનું સાચુ કર્તવ્ય શું છે..એ અંગે કયારેય ગંભીરતાથી તેણે વિચાર્યું છે ? આજે તો આવું વિચારવા બેસે એ કદાચ મૂરખ, વેવલો, કે નવરો..કોઇ કામધંધા વિનાનો ગણાય છે..

અને પરિણામ ? આંધળી દોટ..અને જીવનમાં ઉમેરાતા ખાલીખમ્મ વરસો !  જો માનવી વરસોમાં જીવન ઉમેરી શકે તો ? સાચા જીવનની થોડી પળો પણ  માનવીને  સભર બનાવી શકે છે. ઉમરલાયક તો બધા થાય છે. લાયક  કેટલા થઇ શકે છે ?

કામ તો આજે રોબોટ પણ બધું કરી શકે છે. એનામાં જીવન છે .  ચેતન છે એમ કહી શકીએ ?

આદતથી આપણે સૌ જીવ્યે જઇએ છીએ. બંધનો આપણને કોઠે પડી ગયા છે. “દો આંખે બારહ હાથ “ પિકચરનું એક દ્રશ્ય છે. જેલમાંથી કેદીઓ મુક્ત તો થયેલા છે. પરંતુ રાત્રે કોઇ કેદી સૂઇ શકતો નથી. કારણ ? આદત..બંધનમાં જકડાઇને સૂવાની આદત.  અંતે બધા ઉઠીને પગે બેડીઓ બાંધે છે પછી જ નિરાંતે સૂવા પામે છે..!.

ઝેન વિચાર ધારા આ જ કહે છે . જે કામ કરો એ કામ પૂરી એકાગ્રતાથી થવું જોઇએ. ફૂલ સૂંઘતા હો ત્યારે તમારા મનમાં એની સુગંધ સિવાય અન્ય કંઇ પ્રવેશી જ ન શકે. જમતા હો ત્યારે પૂરા રસથી..ખાલી જમો. તમારી સમગ્ર ચેતના એમાં જ ઓતપ્રોત થવી જોઇએ.

કોઇ પણ કાર્ય જ્યારે દિલની પૂરી જાગૃતિ સાથે, પૂરા સમર્પણ સાથે  એકાગ્રતાથી કરવામાં આવે ત્યારે એ  કાર્યને પૂજાનો દરજ્જો મળે છે.

આપણે પથ્થરફોડા નહીં પરંતુ જીવન શિલ્પી બની રહીએ અને આપણી જીવનસિતારના તાર પર ધૂળ ન જામી રહે  એ આસ્થા સાથે..

નીલમ દોશી
Exit mobile version