Site icon Revoi.in

ગુજરાતમાં ડિસેમ્બરમાં પડશે ફુલ ગુલાબી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદને પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. જો કે, હવે રાજ્ય ઉપર હાલની સ્થિતિએ માવઠાનું કોઈ સંક્ટ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. તેમજ આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં હાર્ડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. જોકે કમોસમી વરસાદ પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ વરસાદી માહોલ રહ્યો હતો અને રવિવારે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, રાજ્ય પરથી વરસાદી સિસ્ટમના વાદળ હટી ગયા હોવાથી હવે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, ઠંડીનું જોર વધવાની શક્યતા છે. કમોસમી વરસાદને પગલે તાપમાનમાં થયેડા ઘટાડાને કારણે લોકો વધારે ઠંડી અનુભવશે. જો કે, ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી જેટલુ નોંધાયું હતું. જ્યારે નલિયામાં 15 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

( Photo – File )