લખનૌ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે પદ છોડવું જોઈએ અને અન્ય નેતાને તક મળવી જોઈએ. તેમણે પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ હારના કારણોથી વાકેફ નથી તો તેઓ કલ્પના લોકમાં જીવી રહ્યા છે.
એક ઈન્ટરવ્યુહમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તેઓ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારથી આશ્ચર્યચકિત નથી. તેમણે કહ્યું કે,”CWCની બહાર પણ કોંગ્રેસ છે… જો તમે ઇચ્છો તો, કૃપા કરીને તેમના મંતવ્યો સાંભળો… અમારા જેવા ઘણા નેતાઓ છે જે CWCમાં નથી, સમગ્ર દેશમાં અનેક કોંગ્રેસી નેતા છે.
કપિલ સિબ્બલ વધુમાં કહ્યું કે, ગાંધી પરિવાર કલ્પના લોકમાં રહે છે. હાર બાદ પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાર માની નથી. તેણે યુપીમાં 2024 માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોનું માનીએ તો પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર પર મંથન કર્યું હતું, પરંતુ તે પહેલાં કલાકો સુધી કાર્યકરો સાથે બેઠક કરી હતી.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. જામીન જપ્ત કરવામાં કોંગ્રેસ નંબર વન રહી છે. કોંગ્રેસના 399 ઉમેદવારોમાંથી 387ની ડિપોઝીટ જપ્ત જપ્ત થઈ હતી. કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે. કોંગ્રેસને આ વખતે માત્ર 2.33 ટકા વોટ મળ્યા છે. યુપીમાં કોંગ્રેસના ઈતિહાસમાં આ સૌથી ખરાબ પ્રદર્શન હતું. જ્યારે પ્રિયંકા ગાંધી યુપીમાં સતત સક્રિય હોવા છતા કોંગ્રેસનું આટલુ ખરાબ પરિણામ આવતા કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ચોંકી ઉઠ્યાં છે.