Site icon Revoi.in

રાજનેતાઓમાં ગાંધીજીના મૂલ્યો રહ્યા નથીઃ કપિલ સિબ્બલ

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજ્યંતી નિમિત્તે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે  આજે અમદાવાદના સાબરમતીના  ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજનેતાઓમાં ગાંધી મૂલ્યો રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર અલગ આંકડા દર્શાવે છે. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી કપિલ સિબ્બલ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જો કે તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસના એકપણ પ્રદેશ નેતા કપિલ સિબ્બલ સાથે નજરે પડ્યા ન હતા, જે બહુ જ ચોંકાવનારી બાબત હતી. આ મામલે તેમને સવાલ પૂછાતા તેમણે જવાબ આપ્યો ન હતો.  તેમણે કહ્યુ હતુ કે, રાજનેતાઓમાં ગાંધી મૂલ્ય રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર અલગ આંકડા દર્શાવે છે. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ આંદોલન શરૂ કર્યું હતું જેમાં ગાંધીજી જોડાયા હતા. રાજનીતિમાં નેતાઓએ ગાંધીજીના આચરણો અપનાવવા જોઈએ. સરકાર ગાંધીજીની વાતો કરે છે, પરંતુ કારનામાં અલગ જ કરે છે. કોંગ્રેસ પાર્ટી ગાંધી મૂલ્યો પર ચાલવા પ્રયાસ કરે છે. પોતાના ઘર પર થયેલા પથરાવ અંગે તેમણે કહ્યુ કે, મોદી સરકારમાં તો રોજ પથરાવ થાય છે. મારા ઘર પરનો પથરાવ સામાન્ય બાબત છે.

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે એમ પણ કહ્યુ કે, આજે દેશને એક નવા આંદોલનની જરૂર છે. ગુજરાતના નેતાઓ જે દિલ્હી પહોંચ્યા છે તે ગાંધીજીની વાતો સમજતા નથી. મોદીજીને પૂછવું છે કે, ગાંધીજીનું સત્ય ક્યાં ગયું. આપ તો અસત્યની આંધી છો. તમામ રાજકીય પક્ષોએ તાનાશાહી સામે મજબૂત થવાની જરૂર છે. આજે હું મોદીજીના રાજમાં ગાંધીજીની વાત કરવા આવ્યો છું.

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના વિધાન પર રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, કોંગ્રેસના ગાંધી પરિવારે ગાંધીજીની અટક ચોરી લીધી છે. કપિલ સિબ્બલ જે આંદોલનની વાત કરે છે તે દેશમાં શરૂ થઈ જ ગયું છે. લોકોએ દેશમાંથી કોંગ્રેસનો સફાયો કરવાનું આંદોલન શરૂ કર્યું છે. નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.