Site icon Revoi.in

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓને નથી મળ્યા ભથ્થા

Social Share

અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. હવે ભાજપ દ્વારા મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓને હજુ સુધી ભથ્થા ચુકવવામાં નહીં હોવાનું સામે આવ્યું છે. જેથી દિવાળીના તહેવારો પૂર્વે આ ભથ્થા ચુકવી આપવા માટે માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ મહિનામાં જ યોજાયેલી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં આરઓ અને વર્ગ-4ના કર્મચારીઓ સહિત લગભગ 1500 જેટલા કર્મચારીઓ જોડાયાં હતા. એટલું જ નહીં પોલીસને પણ વિશેષ ફરજ સોંપવામાં આવી હતી. જો કે, ચૂંટણીમાં ફરજ બજાવનારા શિક્ષકો સહિતના અન્ય કર્મચારીઓને ભથ્થા ચુકવવામાં નહીં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ચૂંટણીને લઈને ચૂંટણી તંત્રને લગભગ 85 લાખ ચુકવવામાં આવ્યાં હતા. પરંતુ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને હજુ સુધી ભથ્થા ચુકવવામાં નહીં આવ્યાં હોવાથી કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં ચૂંટણી ભથ્થા ચુકવી આપવા માટે માંગણી કરવામાં આવી છે.