Site icon Revoi.in

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાતઃ 18મી એપ્રિલે યોજાશે મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ સંપન્ન થઈ છે. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર મ્યુનિસપલ કોર્પોરેશનની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે અને તા. 20મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે. ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર કોર્પોરેશનના 11 વોર્ડમાં 44 બેઠકો ઉપર તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી અંગે તા. 27મી માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. 1લી એપ્રિલ સુધી વિવિધ રાજકીયપક્ષના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તા. 3 એપ્રિલથી ઉમેદવારી ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવશે. જ્યારે તા. 5મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. તા. 18મી એપ્રિલના રોજ સવારે 7થી સાંજ 6 કલાક સુધી કોરોના ગાઈડલાઈન અનુસાર મતદાન યોજાશે. જો જરૂર પડે તો બીજા દિવસે તા. 19મી એપ્રિલના રોજ પુનઃ મતદાન યોજાશે. જ્યારે 20મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તા. 21મી એપ્રિલના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં જ ભાજપનો વિજય થયો હતો.