Site icon Revoi.in

દેશના 25 કરોડ પરિવારને ગેસ કનેક્શન અપાયા, રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અદાણી મામલે વિપક્ષે હંગામો મચાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા, તેમજ કહ્યું હતું કે, છ દાયકામાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખોદયાં છે. હોઈ શકે કે તેમનો આવો ઈરાદો ના હોય પરંતુ તેમણે આમ જ કર્યું છે. જ્યારે બીજી તરફ દુનિયાના નાના-નાના દેશો પણ સફળતાના શિખરો સર કરતું હતું. કોંગ્રેસ પાસે કિચડ છે અને મારી પાસે ગુલાબ છે. જેટલુ કિચડ ઉછાળશો તેટલું જ કમળ ખીલશે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગૃહમાં કેટલાક લોકોની વાણી અને વ્યવહાર માત્ર ગૃહ જ નહીં પરંતુ સમગ્ર દેશને નિરાશ કરે છે. આ ગૃહ રાજ્યોનું છે છેલ્લા કેટલાક દાયકાઓમાં અનેક બિદ્ધિજીવીઓએ અહીંથી દેશને દિશા આપી છે. સદનમાં બેઠેલા અનેક લોકોએ જીવનમાં મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યસભા અને લોકસભા ગૃહમાં થતી ચર્ચા દેશની જનતા ગંભીરતાથી જોવે છે.

પીએમ મોદીએ કહ્યું, અમે આધુનિક ભારતના નિર્માણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કેલ અને સ્પીડના મહત્વને સમજીએ છીએ. અમે લોકોને તેમના ભાગ્ય પર છોડ્યા નથી. અમે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો માર્ગ અપનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 100 ટકા લાભાર્થીને લાભ મળવો જોઈએ. સરકાર આ માર્ગ પર કામ કરી રહી છે. સંતૃપ્તિનો અર્થ ભેદભાવ માટેના તમામ અવકાશને દૂર કરવાનો હતો. તે તુષ્ટિકરણની આશંકાઓ દૂર કરે છે. રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,  110 એવા જિલ્લા છે જ્યાં મોટાભાગની વસ્તી આદિવાસી છે, તેમને યોજનાઓનો સીધો લાભ મળ્યો છે. અહીં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ હતું. બજેટમાં અનુસૂચિત જનજાતિ કમ્પોનન્ટ ફંડ હેઠળ 2014 પહેલા કરતા 5 ગણો વધારો થયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે પાણીની સમસ્યા દૂર કરવાના માર્ગો શોધ્યાં છે. જળ સંરક્ષણ અને જળ સિંચાઈ જેવા દરેક મુદ્દા ઉપર ધ્યાન આપ્યું છે. અમે લોકોને કેચ ધ રેન અભિયાનમાં જોડ્યાં છે. કોંગ્રેસે કોઈ પણ પકડારોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે એવા નથી કે પડકાર જોઈને ભાગી જઈએ. છેલ્લા 3-4 વર્ષમાં લગભગ 11 કરોડ ઘરમાં નળ મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું છે, આમ લગભગ 11 કરોડ નળ કનેકશન કરવામાં આવ્યાં હતા.

સામાન્ય લોકોના સશક્તિકરણની વાત કરતા જણાવ્યું હતું કે, અમે જનધન ખાતા આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 9 વર્ષમાં સમગ્ર દેશમાં 48 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશની જનતા હવે તેમના ખાતા બંધ કરી રહી છે. પહેલા પરિયોજનાઓ લટકતી, અટકતી અને ભટકતી રાખી છે. આજે યોજનાઓ ગણતરીના દિવસોમાં તૈયાર થઈ જાય છે. કોંગ્રેસે બંકનું એકાકીકરણ એટલા માટે કર્યું કે, ગરીબોને બેંકોનો અધિકાર મળે, પરંતુ દેશના અડધા લોકો બેંકના દરવાજા સુધી પહોંચ્યા ન હતા. અમે સ્થાયી રસ્તો નિકાળીને જન-ધન બેંક ખાતા ખોલ્યાં, જેના મારફતે દેશના ગ્રાણીણને વિકાસ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો સરકારમાં આવે છે તે પ્રજાને અનેક વાયદા કરીને આવે છે. પરંતુ માત્ર ભાવનાઓ વ્યક્ત કરવાની વાત નથી બનતી, વિકાસની ગતિ શું છે, વિકાસનો પાયો, દિશા, પ્રયાસ અને પ્રરિણામ શું આવ્યાં, તે પણ ખુબ મહત્વ રાખે છે. અમારી પ્રાથમિકતા દેશના નાગરિકો હતા, એટલે જ 25 કરોડથી વધારે પરિવારને ગેસ કનેક્શન આપ્યાં છે. આ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની સાથે નાણાનો ખર્ચ કરવો પડે છે. 18 હજારથી વધારે ગામમાં વિજળી પહોંચી ન હતી. અમે સમયસીમા સાથે 18 હજાર ગામમાં વિજળી પુરી પાડી છે.