Site icon Revoi.in

આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા

Social Share

ગાંધીનગરઃ  વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય શૈલેશ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં મોડેલ હાઇસ્કૂલ લીમખેડાના  કેમ્પસમાં વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઊજવાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા.

વિશ્વ આદિવાસી દિનને વિશેષ મહત્વ આપતા કેબીનેટ મંત્રી  ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ છે. આ આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકારોએ “જ્યાં નાગરિક ત્યાં સુવિધા”નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, દેશની આઝાદીની લડાઈમાં દેશના અનેક રાજ્યોના આદિવાસીઓએ શહીદી વ્હોરી બલિદાન આપ્યા છે. જેમાંના બિરસા મુંડા, તાત્યા ભીલે પણ પોતાનું આગવું યોગદાન આપ્યું છે. તેમજ સરકારશ્રી દ્વારા સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્રે આદિવાસી બાંધવોના જીવનમાં પ્રકાશ પાથરી ઊર્જા શક્તિ, મહિલા સશક્તિકરણ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના, રોડ રસ્તાનું નિર્માણ, સિંચાઈ સુવિધા પુરી પાડી રહી છે.  આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેની યોજનાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આજે આદિવાસી બાળકો અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યાં છે.

લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરએ આદિવાસી દિન નિમિતે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, 1994ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે 9મી ઓગષ્ટને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” જાહેર કર્યો ત્યારથી દર વર્ષે 9મી ઓગષ્ટના દિવસને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આદિવાસીના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલ અનેકવિધ સહાય યોજનાઓ આપવા સરકારશ્રી કટિબદ્ધ છે.

Exit mobile version