નવી દિલ્હી, 10 માર્ચ 2026: હાલની આંતરરાષ્ટ્રીય ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને ઇંધણ પુરવઠાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડર અંગે કેટલાક કડક અને મોટા નિર્ણયો લીધા છે. સરકારે ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવા માટે આદેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે જે વધારાનો ગેસ ઉત્પન્ન થાય તે સૌથી પહેલાં સામાન્ય લોકોના ઘરોમાં વપરાતા (ઘરેલુ) સિલિન્ડરો માટે ફાળવવામાં આવે, જેથી દેશવાસીઓને ગેસની અછતનો સામનો ન કરવો પડે.
સરકારે ઘરેલુ એલપીજી સપ્લાયને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તહેવારો અને અન્ય સમયે થતી સંગ્રહખોરી તથા કાળાબજારી પર લગામ કસવા માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ, ગ્રાહક એક સિલિન્ડર મેળવ્યા બાદ ઓછામાં ઓછા 25 દિવસ પછી જ બીજા સિલિન્ડરનું બુકિંગ કરી શકશે. આ ઉપરાંત, જે આયાતી એલપીજી છે, તેનો સપ્લાય હાલ પૂરતો હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ક્ષેત્રોને પૂરો પાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
હોટલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોને અપાતા કોમર્શિયલ એલપીજી સપ્લાયની સમીક્ષા કરવા માટે સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની એક ખાસ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ ઉદ્યોગો તરફથી મળેલ રજૂઆતોની સમીક્ષા કરશે અને નક્કી કરશે કે તેમને જરૂરિયાત મુજબ કેટલો ગેસ ફાળવી શકાય. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી જાહેર કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, *”વર્તમાન ભૌગોલિક-રાજકીય અડચણો અને ઇંધણ પુરવઠા પર એલપીજીની અછતને ધ્યાનમાં રાખીને, ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું વધુ ઉત્પાદન કરવા અને વધારાના ઉત્પાદનનો ઘરેલુ વપરાશ માટે ઉપયોગ કરવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.”
જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રેસ્ટોરન્ટ ઉદ્યોગને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આપવા પર કોઈ સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. બજારમાં ઘણા ગેસ સપ્લાયર્સ કોમર્શિયલ સિલિન્ડર આપવામાં અસમર્થતા દર્શાવી રહ્યા છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટલ બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ મગફળીમાંથી ઘરે બનાવો આ 4 ટેસ્ટી અને હેલ્ધી વાનગી, જાણો રેસીપી

