નવી દિલ્હી, 17 માર્ચ 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આરોગ્ય વીમો સરકાર માટે પ્રાથમિકતા છે. સરકાર 2033 સુધીમાં સાર્વત્રિક વીમા કવરેજ પૂરું પાડવા માટે કામ કરી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા, નાણામંત્રીએ જણાવ્યું હતું કે એક વ્યાપક ગ્રામીણ આઉટરીચ યોજના શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ દેશભરની 25,000 ગ્રામ પંચાયતોને આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવશે. સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય વીમાને પ્રાથમિકતા આપતું ક્ષેત્ર માને છે અને ખાસ કરીને ગ્રામીણ ભારતમાં તેની પહોંચ વધારવા માટે અનેક નીતિગત પહેલ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ 2024 માં નિયમો સૂચિત કર્યા છે જે હેઠળ ગ્રામ પંચાયતને વીમા કવરેજ અને ગ્રામીણ જવાબદારીઓ માપવા માટે મૂળભૂત એકમ ગણવામાં આવશે.
વૈશ્વિક સ્તરની તુલનામાં ભારતમાં વીમાના ઓછા પ્રવેશ પર પ્રકાશ પાડતા, સીતારમણે જણાવ્યું હતું કે દેશનો માથાદીઠ વીમા પ્રીમિયમ, જેમાં આરોગ્ય વીમાનો સમાવેશ થાય છે, ફક્ત 97 ડોલર છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 943 ડોલર છે. આરોગ્ય વીમા ક્ષેત્રે, મંત્રીએ જણાવ્યું હતું કે બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે, અને 2024-25માં આ ક્ષેત્રનું ટર્નઓવર 1 લાખ 17 હજાર 505 કરોડ હતું અને 58 કરોડ લોકોને વિવિધ વીમા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેર અને ખાનગી વીમા કંપનીઓ, તેમજ સરકાર સમર્થિત વીમા કંપનીઓ, કવરેજના વિસ્તરણમાં ફાળો આપી રહી છે. સીતારમણે ખાસ કરીને ગરીબ અને નબળા લોકો માટે પ્રીમિયમ દરો સસ્તા રાખવા પર સરકારના ધ્યાન પર પણ ભાર મૂક્યો.
સામાજિક સુરક્ષા યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 436 ના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખનું જીવન વીમા કવર પૂરું પાડે છે, જે ઓછી આવક ધરાવતા પરિવારોને સુલભ બનાવે છે. તેમણે કહ્યું કે આ યોજનાને મોટા પાયે અપનાવવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 26 કરોડ 79 લાખ લોકોએ નોંધણી કરાવી છે, જે વ્યાપક નાણાકીય અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
વધુ વાંચો: ભારતીય જહાજ નંદા દેવી આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને વાડીનાર બંદરે પહોંચ્યું

