Site icon Revoi.in

વિદ્યાર્થી અને નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા રાજ્યપાલનો અનુરોધ

Social Share

નવી દિલ્હીઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો  પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 11માં પદવીદાન સમારોહ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના વિવિધ શાખાના 6296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના 11મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકીને માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણા બધા માટે ગૌરવની વાત છે કે કચ્છ યુનિવર્સિટીનું નામ શ્યામજી કૃષ્ણવર્મા સાથે જોડવામાં આવ્યું છે. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનું જીવન પ્રેરણા સ્ત્રોત સમાન છે. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને અને ઉપસ્થિત રહેલા તમામ નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ કહ્યું કે આવનારી પેઢીના ઘડતરની સાથે યુનિવર્સિટી સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. આ પ્રસંગે તેઓએ પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકીને ઉપસ્થિત તમામને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. ભારતીય સંસ્કૃતિને અને જીવનમૂલ્યોને જીવનનો આધાર બનાવવો જોઈએ. રાજ્યપાલએ  વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસે તેમજ પરિવારના સભ્યોની લગ્નતિથીએ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો જોઈએ તેવો આગ્રહ પણ કર્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરીને સફળતાના શિખરો સર કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલએ અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ અભિયાન અંતર્ગત કોરોના રસીકરણ, પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ અને સંચય, પ્રાકૃતિક કૃષિ, નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ તેમજ ફીટ ઈન્ડિયા જેવા પાંચ પ્રકલ્પો દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગામમાં જઈને લોકજાગૃતિ દ્વારા નવજાગરણનું કાર્ય કર્યું છે.