અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દરેકને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિતે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ હતી. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ એકતા પરેડમાં હાજરી આપી હતી અને તેઓએ એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાઇકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. પીએમ મોદી જી-20 સંમેલનમાં હોવાથી તેઓએ પોતાનો વીડિયો સંદેશ રાષ્ટ્રીય એકતા દિવસે આપ્યો હતો.
કેવડિયા ખાતે સરદારની પ્રતિમાને નમન કર્યા બાદ ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં બલિદાન આપનાર લાખો વીર જવાનોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું કરોડો દેશવાસીઓને કહેવા માગુ છું કે, સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે, તે સદીઓ સુધી અલખ જગાવે છે. કેવડિયા આજે તીર્થસ્થાન બની ગયું છે, દેશ ભક્તિનું તીર્થસ્થાન બની ગયું છે. ચાણક્ય પછી સરદાર પટેલે દેશને એકજૂટ કરવાનું કામ કર્યું હતું, જેના કારણે આજે આપણો દેશ એક થઇને આગળ વધી રહ્યો છે આઝાદી પછી સરદાર સાહેબને ભૂલાવવાનો પ્રયાસ કરાયો, તેમના યોગદાનને ક્યારેય યોગ્ય સ્થાન નહોતુ મળ્યું, તેમને ભારત રત્ન પણ નહોતો આપ્યો. આજે સરદાર સાહેબને ભારત રત્ન પણ મળ્યો છે અને આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ છે.