Site icon Revoi.in

GTU દ્વારા મહેસાણાની ઈજનેરી કોલેજમાં 120 બેઠકો પર ગુજરાતી ભાષામાં કોર્ષ શરૂ કરાયો

Social Share

અમદાવાદઃ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવાથી ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા મહેસાણાની ઈજનેરી કોલેજમાં 120 બેઠકો પર ગુજરાતી ભાષામાં કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય એવી સુવિધા કરવામાં આવી છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 132 એન્જિનિયરિંગ કોલેજ, 100 જેટલી પોલિટેક્નિક, 65 ફાર્મસી, 75 મેનેજમેન્ટની કોલેજ છે. તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. ગત વર્ષે AICTE  દ્વારા દેશભરમાં એન્જિનિયરિંગનો કોર્સ જે-તે રાજ્યની ભાષામાં શરૂ કરવા જણાવ્યું હતું, જેને લઈને GTU એ તમામ કોલેજને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ કોલેજોએ ગુજરાતીમાં કોર્સ શરૂ કરવા માટે રસ દાખવ્યો નહતો. તમામ કોલેજના સંચાલકોને ગુજરાતી માધ્યમમાં કોર્ષ શરૂ કરવામાં આવે તો બેઠક ના ભરાય એવો ડર હતો, જેને કારણે GTUએ પોતાની જ મહેસાણા ખાતે આવેલી સંસ્થામાં 120 બેઠક પર એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની 30-30 એમ 120 બેઠક પર ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવામાં આવશે.

આ અંગે GTU ના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અનેક નાના દેશ પોતાની ભાષામાં એન્જિનિયરિંગ ભણાવે જ છે. અમે નિષ્ણાતોનો અભિપ્રાય લીધો જ છે. આ ઉપરાંત ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ભણવાનો લાભ મળે તેને ધ્યાનમાં રાખીને એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવામાં આવશે. આ વર્ષથી જ GTUમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ માટે એડમિશન પણ આપવામાં આવશે. એડમિશન પ્રક્રિયા ACPC દ્વારા કરવામાં આવશે. અત્યારે 120 સીટ પર મંજૂરી મળી છે, જેથી 120 સીટ પર એડમિશન આપવામાં આવશે. GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે અમે અગાઉ અનેક કોલેજની પત્ર લખીને ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરવા અપીલ કરી હતી, પરંતુ કોઈએ શરૂ ના કર્યું, જેથી અમે જ અમારી મહેસાણાની કોલેજમાં 120 સીટ પર શરૂ કર્યું છે. ગામડાંના અનેક વિદ્યાર્થીઓ અંગ્રેજીને કારણે એન્જિનિયરિંગ કરતા નથી તો એ પણ ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણી શક્શે. ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરતા ટોપર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવશે.

 

Exit mobile version