Site icon Revoi.in

ગુજરાતઃ 16 ગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાયાં

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 5 જિલ્લાના 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલાં ગામો છે. આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના 6 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં રાયડી, થાણાગાલોળ, વીરનગર, આણંદપરા(નવા), સતાપરા, લોધીકાને સામેલ કરાયા છે. જૂનાગઢ જિલ્લાના 5 ગામ ચોરવાડી, સમઢીયાળા, ધંધુસર, મટીયાણા, બાલાગામનો સમાવેશ થયો છે. જામનગરના 3 ગામ પીપર, વાકીયા, સીદસર ગામ ઉપરાંત બોટાદ જિલ્લાનું 1 ગામ અડતાળા અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના એક ગામ મહુવર. તેમ કુલ 16 ગામ સ્માર્ટ વિલેજ બન્યા છે. 

મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના ધોરણો નિર્ધારીત કરાયાં છે. આ ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન, બીજો ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન, દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન,પંચાયત વેરા વસુલાત, રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય, સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા, ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ, ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ, ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા, ગામમાં ગટર બનાવવી, ગામતળના પાકા રસ્તા સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય હતો. 

સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દિઠ 5 લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ પુરસ્કાર રાશી ગામોના વિકાસ કામો માટેના સ્વભંડોળનો ભાગ બનશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે  ગ્રામ પંચાયતો દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા. ફોર્મ ભરાયા બાદ તાલુકા કક્ષાની સમિતિએ રૂબરૂ ગામની મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી જીલ્લા કક્ષાની સમિતિને મોકલી હતી. અને મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી કરી હતી.. 90 ટકા ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર અને પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે.