Site icon Revoi.in

ગુજરાતઃ ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 18 પાકિસ્તાની નાગરિક ઝબ્બે

Social Share

અમદાવાદઃ પાકિસ્તાન સાથે ગુજરાત જળ અને જમીન સીમાથી જોડાયેલો છે. અવાર-નવાર પાકિસ્તાન મહિન સિક્યોરિટીના જવાનો ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું અપહરણ કરતા હોવાની ઘટના બને છે. તેમજ કેટલીક વાર પાકિસ્તાની માછીમારો ભારતીય સીમામાં પ્રવેશતા હોવાનું સામે આવે છે. દરમિયાન ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 18 વ્યક્તિઓને ઝડપી લીધા હતા. કોસ્ટ ગાર્ડે બે બોટમાં સવાર 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા બાદ તેમને ઓખા બંદરે લાવવાની કવાયત શરૂ કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો દ્વારા વારંવાર જળ માર્ગે ઘૂસણખોરી કરવામાં આવે છે. જેની પર નજર રાખવા ભારતીય કોસ્ટ ગાર્ડ સતત સતર્ક રહેતું હોય છે. જેમાં પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા પણ અનેક વાર ભારતીય જળ સીમામાં પ્રવેશવાના કિસ્સા સામે આવ્યા છે. જો કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ અંગે સતર્કતા રાખવામાં આવે છે અને સતત પેટ્રોલિંગના પગલે પાકિસ્તાનના ઘૂસણખોરીના બદઈરાદા પાર પડતાં નથી. બે બોટ સાથે 18 પાકિસ્તાનીઓને ઝડપી લઈને પૂછપરછ કરતા તેઓ માછીમાર હોવાનું સામે આવ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.