Site icon Revoi.in

ગુજરાતઃ વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 7000 કેમેરા લગાવાયાં

Social Share

અમદાવાદઃ ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે 2020માં રાજ્યભરમાં સીસીટીવી સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી તારીખ 1-5-2022ના રોજ 7 હજાર સીસીટીવી સ્થાપિત કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે સરકાર તેના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જેમાં તેનો વ્યાપ નાના શહેરોમાં વિસ્તરિત કરવામા આવશે. બીજા તબક્કામાં ટિયર -3 શ્રેણીના 51 શહેરોમાં 10 હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે. તેના માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામા આવી છે અને 2023ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે.

2013-14માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા આધારિત વ્યવસ્થા ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટ શરૂ થયો હતો, જે રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો અને 6 આધ્યાત્મિક સ્થળો (સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, પાવાગઢ અને ડાકોર) તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરૂ કરવામા આવ્યો હતો. વિશ્વાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. સીસીટીવીના દ્રષ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ કહેવામા આવે છે.

સીસીટીવી સર્વેલન્સમાં વિશ્વાસ અંતર્ગત અત્યારે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર છે જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નીશન, રેડ લાઇટ વાયલેશન ડિટેક્શન, ચોરાયેલા વાહનો માટેની એલર્ટ પ્રણાલી છે. તેના દ્વારા ગેરકાયદે પાર્કિંગ, નડતરરૂપ પદાર્થોની ઓળખ, ભીડની ઓળખ, લોકોની ગણતરી, કેમેરા સાથે ચેડાં વગેરે સરળતાથી ઓળખી શકાય છે. પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે કુલ 10 હજાર બોડી વોર્ન કેમેરા આપવામા આવ્યા છે જ્યારે 15 ડ્રોન કેમેરા છે.

ડિજીટલ તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનની વાત છે ત્યાં સુધી ગુજરાતે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. અત્યારે સરકારની મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે અને તેના દ્વારા રાજ્યના નાગરિકોનું કામ સરળ બન્યું છે અને સમયની બચત થઇ રહી છે.

આ પ્રોજેક્ટ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા, ગુનાહોના ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે. સરકારે યોગ્ય પ્લાનિંગ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ સીસીટીવી લગાવીને સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કામગીરી કરી છે. આગામી દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટનો વ્યાપ નાના શહેરો સુધી વિસ્તરાવામા આવી રહ્યો છે જેનાથી લોકોને વધુ સુરક્ષા અને સવલતો મળી રહેશે. ”