Site icon Revoi.in

ગુજરાતઃ RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. તેમજ આરટીઈ હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રદેશ રદ કરવામાં આવ્યાં છે. તેમ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  આર.ટી.ઇ. હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા છે. આરટીઈ એક્ટ 2009ની કલમ 12.1 (ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે ચાલી છે.

આગામી શૈક્ષણિક વર્ષ 2023-24માં 9863 જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં 25 ટકા મુજબ 82853 જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ 98650 અરજીઓ મળી છે. તે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 54903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 48890 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.

પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી 1130 જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-1/ધો-2માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ 5મી જૂન  સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે એમ મંત્રીએ જણાવ્યું હતું.