Site icon Revoi.in

ગુજરાતઃ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે કરાર

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. 

નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્‍ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવીને રાજ્યમાં ડિજિટલ રેડીનેસને ઇન્‍ટેલ સાથે સંયુક્તપણે આગળ વધારવા રાજ્ય સરકારે આ પાર્ટનરશીપ કરી છે. ગુજરાતમાં આ પહેલની શરૂઆત ટેક્નોલોજીકલ ઇનોવેશન અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સા હન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ભાગીદારી ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજીમાં અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે. 

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ પાર્ટનરશીપથી  રાજ્યમાં સ્કીલ્ડ વર્કફોર્સને પ્રમોટ કરવા અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આગળ ધપાવવામાં આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી. 

આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, નાગરિકો અને ડિજિટલ લીડર્સને AI-સંચાલિત વિશ્વમાં ખીલવા માટે જરૂરી કૌશલ્યો, માનસિકતા અને ટૂલસેટ્સથી સજ્જ કરીને સશક્તિકરણ કરવાનો છે. આ પહેલ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ સહિત બહુવિધ ભાગીદારો અને હિતધારકોના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે.

Exit mobile version