Site icon Revoi.in

ગુજરાત બજેટ 2021- ડાંગ જિલ્લાના ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળવા માટે સરકારની તૈયારી

Social Share

અમદાવાદઃ નાયબમુખ્ય મંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે રૂ. 2.27 લાખ કરોડનું અંદાજપત્રી વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે.

નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે રૂપિયા 10 હજાર તથા બીજા વર્ષે રૂપિયા 6 હજારની નાણાકીય સહાયની યોજના માટે રૂ. 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજયના ખેડૂતો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરી શકે તેવુ આયોજન કરવામાં આવશે. આ વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્ય આપવામાં આવશે. આ યોજના માટે રૂ. 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને હવામાનની જાણકારી મળી રહે તે હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. આ માટે બજેટમાં રૂ. 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાગાયતિ યોજના માટે રૂ. 442 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બિન ઉપજાઉ સરકારી જમીનોને ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં લગભગ 50 હજાર એકર સરકારી જમીનને આધુનિક ટેકનોલોજીથી ઉપજાઉ બનાવવામાં આવશે. જેથી રોજગારીની નવી તકો ઉભી થશે. રોગ – જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છૈ. ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. 10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. 82 કરોડની જોગવાઇ કરાઈ છે. બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. 55 કરોડની જોગવાઇ કરાઈ છે. એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. 50 કરોડની જોગવાઇ કરાઈ છે.