Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ તા. 3જી જુલાઈએ જાહેર થવાની શક્યતા

Social Share

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય પણ તમામ વિદ્યાર્થીઓને માર્ક્સ અપાશે. બોર્ડ પરિણામ તૈયાર કરવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેમાં ધોરણ 9માં મેળવેલા માર્કસ તેમજ ધોરણ 10ની પ્રિલિમ પરીક્ષા વગેરેમાં મેળવેલા માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે ઘણી શાળાઓએ ઓનલાઈન માર્ક્સ મુકી દીધા છે. બોર્ડ દ્વારા અગાઉ તા. 25મી જુને પરિણામ જાહેર કરવાનું નક્કી કર્યું હતું પણ પરિણામ તૈયાર ન થઈ શક્તા હવે તા. 3જી જુલાઈના રોજ પરિણામ જાહેર કરાશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે

કોરોનાકાળમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા મોકૂફ રહી હતી. જોકે, ત્રણ જુલાઈ સુધીમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની પરીક્ષા વિભાગે તૈયારી કરી છે. માર્કશીટને લગતી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. અગાઉ જૂનના અંતિમ સપ્તાહમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ માર્કશીટમાં વિલંબ આવતા પરિણામની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામ માટે પણ પરીક્ષા વિભાગે કવાયત શરૂ કરી છે અને માર્ક્સ અપલોડ કરવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે. ચાર જુલાઈ સુધી માર્કસ અપલોડ કરવાની માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક શાળાના આચાર્યોને સૂચના આપી છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવા સૂચના અપાઈ છે.