Site icon Revoi.in

ગલ્ફ અને આફ્રિકન દેશોના નાગરિકોમાં મેડિકલ ટુરિઝમ માટે ગુજરાત પ્રથમ પસંદગી: ઋષિકેશ પટેલ

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેલ્થકેર ઓનર્સ કોન્કલેવ ‘H.O.Con’નો શુભારંભ કરાવ્યો હતો. કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે  મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્રે ગુજરાતે અનેક નોંધપાત્ર ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. સાર્વજનિક આરોગ્ય સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત અને સર્વવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશ્વ સ્તરીય સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાનો સરકારનો ધ્યેય છે એમ તેમણે ઉમેર્યું હતું.

દુનિયાભરમાં ભારતીય તબીબોના યોગદાનની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે, અમેરિકામાં કાર્યરત કુલ તબીબોમાંથી 28 ટકા જેટલા તબીબો મૂળ ભારતીય છે. જે ગર્વની બાબત છે. તેમણે જણાવ્યું કે, આજે ભારતમાં અન્ય ક્ષેત્રોની જેમ મેડિકલ ટુરિઝમ ખૂબ વિકાસ પામી રહ્યું છે. અને આગામી સમયમાં આ ક્ષેત્રનું કુલ મૂલ્ય 15 લાખ કરોડ જેટલું થશે તેવી આશા છે. કિફાયતી સારવારની ઉપલબ્ધીને કારણે ગલ્ફ અને આફ્રિકન દેશોના નાગરિકોમાં મેડિકલ ટુરિઝમ માટે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે. 

મંત્રીએ આયુષ્યમાન ભારત યોજના પર ભાર મુકતા જણાવ્યું કે, જન સામાન્યના સારા સ્વાસ્થ્ય માટે આયુષ્યમાન ભારત યોજનાની ખૂબ મહત્વની ભૂમિકા છે. લોકોને તેનો મહત્તમ લાભ અપાવવા માટે ટ્રસ્ટની અને ખાનગી હોસ્પિટલો પણ આગળ આવે. AI અને નવીનતમ સંશોધનો વચ્ચે ખાનગી અને સરકારી સ્વાસ્થ્ય સેવાઓનો સુમેળ ખૂબ જરૂરી છે. જેને વધારવા માટે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તરફથી આવનાર સૂચનો પણ આવકાર્ય છે. એમ જણાવી તેમણે આ સમગ્ર આયોજન બદલ મેડીજેન્સ સહિતના તમામ આયોજકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ વિવિધ હોસ્પિટલ સંચાલકોને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ‘H.O.Con’માં દિવસ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ ડાયનેમિક્સ, મોડેલ્સ ઓફ હોસ્પિટલ્સ, વર્કફોર્સ મેનેજમેન્ટ, હોસ્પિટલ એક્સપાંશન સહિતના વિવિધ વિષયો પર ચર્ચા સત્રનું આયોજન કરાયું છે.

Exit mobile version