Site icon Revoi.in

ગુજરાતના 24 જિલ્લાના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ જવાબદાર

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના 33 જિલ્લામાંથી 24 જિલ્લા એવા છે જેના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. ભૂ-જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવા પાછળ પ્રાથમિક કારણ ફર્ટિલાઇઝરનો વધુ ઉપયોગ છે. આ માહિતી જળ શક્તિ મંત્રાલયે લોકસભામાં રજૂ કરી હતી.

ગુજરાતમાં  ભૂગર્ભ જળમાં સેલિનિટી વધુ ધરાવતા 21 જિલ્લા છે, ફ્લોરાઇડનું વધુ પ્રમાણ 22 જિલ્લામાં, આર્સેનિક 12 જિલ્લામાં અને 10 જિલ્લાનું ભૂજળ આયર્નથી પ્રદૂષિત છે. જળ શક્તિ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બિશ્વેશ્વર ટુડુએ દેશના ભૂગર્ભ જળમાં પ્રદૂષણને લઈ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ભૂગર્ભ જળ દૂષિત થવું મોટાભાગે પ્રાકૃતિક પ્રક્રિયા છે અને તેમાં છેલ્લા વર્ષોમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. પરંતુ નાઇટ્રેટનું પ્રમાણ વધવા પાછળ માનવજાત કારણભૂત છે. ફર્ટિલાઇઝરના વધુ પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ વર્ષ 2017-18માં 10.65 ટકા સેમ્પલ દૂષિત હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા 6 વર્ષના ગાળામાં સૌથી ઓછા દૂષિત સેમ્પલ 1.98 ટકા 2016-17માં મળ્યા હતા. 2020-21ના સમયગાળામાં 9.31 ટકા સેમ્પલ દૂષિત હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરનો ઉપયોગ ચિંતાજનકરીતે વધી રહ્યો છે. એટલે જમીનની ફળદ્રપતા પણ ઘટતી જાય છે. સાથે ભૂગર્ભ જળ પણ પ્રદુષિત બનતા જાય છે. ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળમાં નાઈટ્રેટનું પ્રમાણ સૌથી વધુ છે. તેના લીધે લોકોના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે. પશુ-પંખીથી લઈને માનવીનું જીવન જળ સાથે જોડાયેલું છે. ત્યારે ભૂગર્ભ જળ દૂષિત બનતા ચિંતાનો વિષય છે. રાજ્યના 33 જિલ્લામાંથી 24 જિલ્લા એવા છે જેના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. ભૂ-જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવા પાછળ પ્રાથમિક કારણ ફર્ટિલાઇઝરનો વધુ ઉપયોગ છે. ત્યારે ફર્ટિલાઈઝરનો ઉપયોગ ઘટાડવો એ સમયની માગ છે.