Site icon Revoi.in

૪૦થી વધુ પાકોના વૈવિધ્ય સાથે ગુજરાત આજે દેશનું કૃષિ હબ બન્યું: જીતુ વાઘાણી

Social Share

ગાંધીનગર, 13 માર્ચ 2026: ગુજરાત વિધાનસભા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, સહકાર અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ગુજરાતના કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી સહિત અનેક ધારાસભ્યશ્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ચર્ચાના અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

આ વેળાએ કૃષિ અને સહકાર મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિધાનસભા ખાતે રાજ્યના કૃષિ અને સહકારી ક્ષેત્રની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂત એ માત્ર અન્નદાતા નથી, પણ રાષ્ટ્રના અર્થતંત્રને ધબકતું રાખતી જીવંત ધોરી નસ છે. વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કૃષિ ક્રાંતિના બીજ રોપ્યા હતા, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વટવૃક્ષ બનાવી રહી છે.

મંત્રીએ જણાવ્યું કે, ૪૦થી વધુ પાકોના વૈવિધ્ય સાથે ગુજરાત આજે દેશનું કૃષિ હબ બન્યું છે. છેલ્લા બે દાયકાના તુલનાત્મક આંકડાઓ રાજ્યની પ્રગતિની સાક્ષી પૂરે છે. ગત બે દાયકામાં કપાસનું ઉત્પાદન ૧૧.૬૧ લાખ ગાંસડીથી વધી ૯૨.૪૮ લાખ ગાંસડી (૬૯૬% વધારો) અને ઉત્પાદકતા ૧૨૨થી વધી ૫૮૬ કિગ્રા/હેક્ટર (૩૭૯% વધારો), મગફળીનું ઉત્પાદન ૬.૮૮ લાખ મે.ટનથી વધી ૪૬.૪૬ લાખ મે.ટન (૫૭૫% વધારો) અને ઉત્પાદકતા ૩૯૮ થી વધી ૨૭૪૦ કિગ્રા/હેક્ટર (૫૮૮% વધારો), દિવેલાના ઉત્પાદનમાં ૧૫૦% અને ઉત્પાદકતામાં ૫૮% નો વધારો, કઠોળના ઉત્પાદનમાં ૭૩૩% અને તેલીબિયાંમાં ૩૪૭% નો અભૂતપૂર્વ વધારો અને ધાન્ય પાકોના ઉત્પાદનમાં ૨૭૦% અને ઉત્પાદકતામાં ૧૮૧% ની વૃદ્ધિ નોંધાઈ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગીરની ‘કેસર કેરી’, ભાલના ‘ભાલિયા ઘઉં’, કચ્છની ‘ખારેક’ અને ‘વલસાડી ચીકુ’ને G.I. ટેગ મળ્યો અને વૈશ્વિક ઓળખ બની છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.તેમણે કહ્યું હતું કે,પ્રધાનમંત્રીએ ખેડૂતોને ખર્ચના દોઢ ગણા ભાવ મળે તેવી ઐતિહાસિક નીતિ અમલી કરી છે. ૨૦૧૩-૧૪ અને ૨૦૨૫-૨૬ વચ્ચે MSP એટલે કે, ટેકાના ભાવમાં અનેકગણી વૃદ્ધિ થઈ છે. પ્રધાનમંત્રીએ દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ ધાન્ય પાકોના ટેકાના ભાવમાં ૮૧% થી ૧૪૭% નો વધારો, કઠોળ પાકોના ટેકાના ભાવમાં ૮૧% થી ૯૫% અને તેલીબિયાં પાકોના ટેકાના ભાવમાં ૮૨% થી ૧૧૯% સુધીનો વધારો તથા રોકડિયા પાકોમાં કપાસ અને શેરડી પાકના ટેકાના ભાવમાં ૭૦% થી ૧૦૩% નો વધારો થયો છે.

આ પણ વાંચોઃ ઈડરના ડુંગરમાં લાગેલી આગ ભારે જહેમત બાદ 12 કલાકે કાબુમાં આવી

Exit mobile version