Site icon Revoi.in

ગુજરાતઃ 17 અને 18 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ છેલ્લા 15 દિવસમાં મેઘરાજાએ દક્ષિણગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી છે.બીજીતરફ મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 17 અને 18 જુલાઈએ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ માઝા મૂકી છે. ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને જનજીવન ખોરવાયું છે.

ભારે વરસાદથી મોહન અને વીરા નદી બે કાંઠે વહેતી થઇ છે. નર્મદામા કરજણ ડેમના બે દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચના નેત્રંગ પંથકમાં પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. આજે દક્ષિણગુજરાતના સુરત,નર્મદા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત, આસામ સહિતના રાજ્યોમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ જાણવા ગૃહમંત્રી અમિતશાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી.

દરમિયાન નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામ નજીક વહેતી કરજણ નદીના ઉપરવાસમાં ઉંમરપાડા તાલુકામાં આઠ ઇંચ સાંબેલાધાર વરસાદ વરસતા કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કરજણ નદીનો પુલ આશરે 70 થી 80 ફૂટ ઊંચાઈ ઉપર આવેલો છે .આ પુલને અડીને પાણી વહેતું હતું .જો થોડો પણ વધારે વરસાદ પડ્યો હોત તો આજે નેત્રંગ થઈને ડેડીયાપાડા , સાગબારા અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો પણ બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય હોત .જ્યારે મોવીથી ડેડીયાપાડા જતો રસ્તો પણ નાળુ તૂટી જતા બંધ કરવો પડ્યો છે. આમ બે નેશનલ હાઈવેને મોટી અસર પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી .સદનસીબે વરસાદ ઓછો થઈ જતા કરજણ નદીમાં પાણી થોડું ધીમું પડ્યું હતું .