Site icon Revoi.in

ગુજરાતઃ ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સને પગલે એરપોર્ટ ઉપર હાઈએલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન 26 જાન્યુઆરી ગણતંત્ર દિને દેશના એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શંકાના પગલે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા જારી કરાયેલા એલર્ટ બાદ ગુજરાતના એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 26મી જાન્યુઆરીની ધામધૂમથી ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ વાહન ચેકીંગ અને પેટ્રોલીંગમાં પણ વધારો કરાયો છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના એરપોર્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. એરપોર્ટ સૂત્રોનું કહેવું છે કે, ‘ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વધારવા માટે ઉચ્ચ સ્તરની ચેતવણી આપવામાં આવી છે’. ‘સાવચેતીના પગલા તરીકે, એરપોર્ટ સત્તાવાળાઓ તા.20 થી 30 જાન્યુઆરી સુધી એરપોર્ટ ટર્મિનલ પર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  આ ઉપરાંત એરપોર્ટ ના તમામ વિસ્તારો નું સઘન ચેકીંગ પણ થઈ રહ્યું છે. એલર્ટને પગલે એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.