Site icon Revoi.in

ગુજરાતઃ કોરોના કાળમાં માનવ દખલ અટકતા અભ્યારણ્યોમાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લાંબી લડાઈ લડી રહ્યો છે. દરમિયાન લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં હતા. બીજી તરફ પ્રવાસન સ્થળોને પણ કેટલાક સમય બંધ રાખવામાં આવ્યાં હતા. લોકડાઉન સહિતના નિયંત્રણોને કારણે પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું છે. બીજી તરફ વન અભ્યારણ્યોમાં માનવીઓની દખલ ઘટતા વન્ય જીવસૃષ્ટીમાં પણ વધારો થયો છે.

વન્ય જીવ વર્તુળ, વડોદરા હેઠળ ના જાંબુઘોડા અને રતન મહાલ અભયારણ્યોની ત્રણ રેન્જમાં ઝરખ, શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં કોરોના કાળમાં વધારો થયો છે. એટલું જ નહીં પટ્ટા વાળા ઝરખની સંખ્યામાં સતત બીજા વર્ષે સારો એવો વધારો નોંધાયો છે.

નાયબ વન સંરક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, 2019ની વન્ય પ્રાણી ગણતરીમાં 77 ઝરખ આ વિસ્તારમાં નોંધાયાં હતા. જ્યારે 2020માં વધીને 87 અને 2021માં વધીને 123 ઉપર પહોંચ્યો છે. લોકડાઉન અને આંશિક લોકડાઉન સહિતના નિયંત્રણોને કારણે જંગલ વિસ્તારમાં માનવ અવર જવર ઘટતાં આ ફાયદો થયો છે. જો કે દીપડા અને રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધઘટ જણાઈ નથી. 2021ની વન્ય પ્રાણી ગણતરીમાં ચોશિંગા અને સસલાની વસ્તી પણ વધેલી જણાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  દર વર્ષે રક્ષિત અભ્યારણ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. જ્યારે રાજ્યના ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન દ્વારા દર ત્રણ વર્ષે રાજ્યના સમગ્ર વન વિસ્તારમાં વાઈલ્ડ લાઇફ સેન્સસ હાથ ધરવામાં આવે છે.