Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા:બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય પહેલા સરકારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારી સંભાળી છે. મંત્રીમંડળને પણ બદલી દેવામાં આવ્યું છે. ત્યારે આજથી હવે ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થશે.

સૂત્રોના કહેવા અનુસાર રાજ્ય સરકાર વિવિધ બિલ પસાર કરવાની સાથેસાથે કેટલીક નવી જાહેરાતો કરે તેવી સંભાવના છે. વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અધ્યક્ષપદે નીમાબહેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાય તેવી સંભાવના છે. જો કે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાના અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે.

અગાઉ વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યોની બનેલી કામકાજ સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા બે દિવસના કામકાજની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકાર વતી વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચાર બીલ પસાર કરવામાં આવે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ એવુ પ્રથમ સત્ર હશે કે જ્યા સૌ પ્રથમવાર મહિલાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે. ગુજરાતમાં આનંદીબહેન પટેલ પહેલા મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા. તે જ રીતે કચ્છના નીમાબહેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ અનુભવશે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે વિપક્ષ પાર્ટીની તો ગુજરાતમાં નવી અસ્તિત્વમાં આવેલ ભૂપેન્દ્ર પટેલની સરકારને ઘેરવા માટે વિપક્ષે પણ તૈયારીઓ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં મુખ્યત્વે રાજ્યમાં અતિવૃષ્ટિ સામે વળતર, કોરોના મૃતકોના પરિજનોને રાજ્ય તરફથી સહાય કે વળતર, શિક્ષણ જગતને લગતા પ્રશ્નો,પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ, બેરોજગારી, સરકારી નોકરીની ભરતી સહીતના મુદ્દે ચર્ચા કરીને સરકારને ઘેરવામાં આવી શકે છે.