Site icon Revoi.in

ગુજરાતઃ કોરોનાકાળમાં બે વર્ષમાં SGST અને વેટથી એક લાખ કરોડથી વધુની આવક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડ્યાં પછી વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. જો કે, અનેક લોકો હજુ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં સરકારને ટેક્સની આવકમાં જંગી વધારો થયો છે. બે વર્ષમાં સરકારને SGST અને વેટથી 1 લાખ કરોડથી વધારેની આવક થઈ હોવાનું જાણવા મળે છે. એક વર્ષના સમયગાળામાં એસજીએસટી અને વેટની આવકમાં વધારો થયો છે.

ગુજરાત વિધાનસભામાં રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ટેક્સની આવક મુદ્દે સરકારનો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના લેખીત જવાબમાં સરકારે કહ્યું હતું કે, કોરોના કાળમાં સરકારની આવકમાં ઘટાડો થયો નથી. સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધીના સમયગાળામાં એસજીએસટી મારફતે 29257 કરોડ તથા વેટ મારફતે 20036 કરોડની થઈ હતી. આમ કોરોનાકાળમાં સરકારની તિજોરી ટેક્સની આવકથી છલકાઈ હતી. એટલું જ નહીં સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 સુધીના સમયગાળામાં એસજીએસટી અને વેટની વકમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 દરમિયાન સરકારને SGSTમાં 38,645 કરોડની આવક જ્યારે વેટમાં 25,456 કરોડની આવક થઈ છે. ગુજરાત સરકારને બે વર્ષના સમયગાળા દરમિયાન એસજીએસટી મારફતે રૂ. 67902 કરોડ અને વેટ મારફતે રૂ. 45492 કરોડની આવક થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. જેથી ફરીથી વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે.