Site icon Revoi.in

ગુજરાતઃ 63 દિવસમાં રૂ. 1350 કરોડનું ડ્રગ્સ પકડાયું, 67 કેસ કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ સહિતની એજન્સીઓએ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરવા માટે કવયત શરૂ કરી છે. દરમિયાન તાજેતરમાં જ પોલીસે જામખંભાળિયા અને મોરબીમાંથી કરોડોના ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓએ મોકલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. દરમિયાન પોલીસે 63 દિવસમાં 1350 કરોડનો ડ્રગ્સ ઝડપી લીધું હોવાનું જાણવા મળે છે.

સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા ગૌરવ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજયમાં 63 દિવસમાં 67 કેસોમાં રૂ. 1350 કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે., ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવામાં આવશે. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 26 હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે.

આ પ્રસંગે કોરોનાકાળ દરમિયાન કોરોના સંક્રમણના કારણે શહીદ થયેલા પોલીસ પરિવારજનોને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત શહેરના શ્રેષ્ઠીઓને પણ સન્માનિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કાળા કારોબારના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.