Site icon Revoi.in

ગુજરાતઃ GST એન્ફોર્સમેન્ટ વિંગનો સપાટો, 30 સ્થળો ઉપર સાગમટે દરોડા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી ચોરીને અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 30થી વધારે સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. ભાવનગરમાં વિંગની છ ટીમોએ 10 સ્થળ પર તપાસ શરૂ કરી હતી. ભાવનગરમાં સ્ક્રેપના વેપારીઓના ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસમાં મોટી જીએસટી ચોરી સામે બહાર આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ અમદાવાદ દ્વારા સમગ્ર રાજ્યમાં 30 જગ્યાઓએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનાથી ભાવનગરની શંકાસ્પદ પેઢીઓની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી હતી. દરોડા જે સ્થળો ઉપર પાડવામાં આવ્યાં છે ત્યાંથી સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કોમ્પ્યુટર, લેપટોપ, કાચી ચીઠ્ઠીઓ, આંગડીયાના હિસાબો, મોબાઇલ ડેટા, સંદેશા વ્યવહારો હસ્તગત કર્યાં છે. સ્ક્રેપ અને મેટલના ધંધાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી છે, અને ગુરૂવારે શરૂ થયેલી કાર્યવાહી શુક્રવારે પણ યથાવત્ રહેવાની હોવાનું જાણવા મળેલ છે. દરમિયાન અલંગથી ભાવનગર માલ પરિવહન કરી રહેલા 5 વાહનોમાં ઇ-વે બિલ નહીં હોવાથી એસજીએસટીની મોબાઇલ સ્કવોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.