Site icon Revoi.in

ગુજરાતઃ કડકડતી ઠંડીથી પ્રાણીઓને બચાવવા ખાસ વ્યવસ્થાઃ પાંજરા પાસે હિટર ગોઠવાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાકથી ઠંડીનો પારો ઉચકાયો છે. લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. પશુ-પક્ષીઓને પણ ઠંડીથી બચાવવા પ્રાણીઓ પ્રેમીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ અને સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે પાંજરા પાસે હીટર ગોઠવવામાં આવ્યાં છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત નેચર પાર્કમાં પ્રાણીઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્કમાં જંગલી પ્રાણીઓના પાંજરા પાસે હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને તેમને ઠંડીથી બચાવી શકાય. સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, શિયાળાની ઠંડીનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. જેના કારણે નેચર પાર્કના પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ ગરમ વાતાવરણનો અનુભવ કરી શકે તે માટે 15 મીટરના અંતરે વાઘ, સિંહ અને પેંગોલિન સહિતના વન્યજીવોના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓના પાંજરામાં 200 વોલ્ટના લેમ્પ પણ લગાવવામાં આવ્યા છે જેથી ઠંડીનો પારો ગગડ્યા બાદ પણ પક્ષીઓના પાંજરામાં પક્ષીઓને માટે અનુકૂળ વાતાવરણ મળી રહે. અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં પણ પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી જ રીતે રાજ્યના તમામ પાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા આયોજન કરવામાં આવ્યું છે.