Site icon Revoi.in

ગુજરાત એસ.ટી.નિગમઃ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી બસ નહીં દોડાવાય

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં હોવાથી તંત્ર દ્વારા નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દરમિયાન ગુજરાત એસ.ટી નિગમે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વકરતા એસટી નિગમ દ્વારા બસના રૂટ ઘટાડવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાને પગલે એસટીમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી રહી છે. રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. સ્વૈચ્છિક લૉકડાઉનના કારણે ગામડાઓમાંથી આવતા જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. દરમિયાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફ આવતા અને જતા પ્રવાસીઓની 50 ટકા સંખ્યા ઘટી છે. જેના કારણે રાજસ્થાન પહેલા 120 શિડ્યુલ બસ ચલાવતા હતા તેમાંથી અડધી જ બસ ચલાવવામાં આવી રહી છે. કોરોના મહામારીને પગલે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા આવક પર પણ અસર પડી છે. હાલ એસટી નિગમને ત્રણ કરોડ આસપાસ આવક થાય છે, એટલે કે આવકમાં પણ 45 ટકાનો ઘટાડો થયો છે. હાલ અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. જેથી રાત્રિના સમયે શહેરી વિસ્તારમાં બસ દોડાવવામાં આવતી નથી.